યૂક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે. દરમિયાન, યૂક્રેને દાવો કર્યો છે કે દક્ષિણ યૂક્રેનના એનર્હોદરમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયન હુમલા બાદ આગ લાગી હતી.
ન્યૂઝ એજન્સી અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, Zaporizhzhia ન્યુક્લિયર પ્લાન્ટની નજીકથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. આ પ્લાન્ટ યૂક્રેનમાં 25% વીજળીનું ઉત્પાદન કરે છે. પ્લાન્ટના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગને કાબૂમાં લેવા માટે ફાયરિંગ બંધ કરવું ખૂબ જ જરૂરી છે.
બીજી તરફ યૂક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ રશિયાના સૈનિકોને યુરોપના સૌથી પરમાણુ પ્લાન્ટ પર હુમલો રોકવાની અપીલ કરી છે. કુલેબાએ કહ્યું, જો તેમાં વિસ્ફોટ થશે તો તે ચોર્નોબિલ કરતાં 10 ગણો મોટો હશે. રશિયન સૈનિકોએ જલ્દીથી ગોળીબાર બંધ કરી દેવો જોઈએ.
જણાવવામાં આવી રહ્યું છે કે આગ પાવર પ્લાન્ટની વહીવટી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગ રિએક્ટરની ખૂબ જ નજીક છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાવર પ્લાન્ટ પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે.
એનર્હોદર શહેર ડિનિપર નદીના કિનારે વસેલું છે. અહીં યૂક્રેનની કુલ વીજળીના ચોથા ભાગનું ઉત્પાદન થાય છે. રશિયન સેનાએ હુમલાને વધુ તીવ્ર બનાવ્યા છે. ગુરુવારે, રશિયન સેનાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શહેર પર હુમલો કર્યો હતો.
અગાઉ, એનર્હોદરના મેયરે કહ્યું હતું કે શહેરની બહારના ભાગમાં યુક્રેનિયન અને રશિયન દળો વચ્ચે સંઘર્ષ થયો હતો. રશિયાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુએન એટોમિક વોચડોગે આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા સાથેના યુદ્ધમાં યૂક્રેનના 15 પરમાણુ રિએક્ટરને નુકસાન થઈ શકે છે.
યૂક્રેનનો દાવો- યુદ્ધમાં 2000 નાગરિકોના મોત
યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે હુમલાના પહેલા દિવસથી અત્યાર સુધીમાં રશિયાએ 480 મિસાઇલો છોડી છે અને યૂક્રેનની સંરક્ષણ પ્રણાલીએ તેમાંથી ઘણીને તોડી પાડી છે. યુએનનો દાવો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 227 નાગરિકોના મોત થયા છે. જ્યારે 525 ઘાયલ છે. જયારે યૂક્રેનનું કહેવું છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં તેના 2000 નાગરિકો માર્યા ગયા છે.
પહેલીવાર રશિયન સેનાએ પોતાના સૈનિકોને થયેલા નુકસાનનો આંકડો પણ જાહેર કર્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર યુદ્ધમાં 500 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1600 ઘાયલ થયા છે.