સાઉદી અરેબિયાના જેદ્દાહથી મોટા સમાચાર આવી રહ્યા છે. શહેરમાં શુક્રવારે એક ઓઇલ ડેપોમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. યમનના હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો ફોર્મ્યુલા વન રેસિંગ પહેલા થયો હતો. F1 રેસિંગ ટ્રેક જ્યાં આગ લાગી હતી તેની એકદમ નજીક છે.
થોડા કલાકો પછી હૂતી વિદ્રોહી સંગઠને કહ્યું – આ દુર્ઘટના નહીં હુમલો છે. અમે ડેપોને રોકેટથી નિશાન બનાવ્યો છે. એવું જણાવાયું છે કે આગ લાગી એ પહેલા એક મોટો વિસ્ફોટ પણ સાંભળવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર આગના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાં, ઓઈલ ડેપોની જ્વાળાઓ દૂરથી દેખાય છે અને આકાશમાં કેટલાક મીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાની ઓઇલ કંપની સાઉદી એરેમ્કો અને સાઉદી સરકારે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. સાઉદી અરેબિયન ગ્રાં પ્રી ફોર્મ્યુલા વન રેસ રવિવારે જેદ્દાહમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં આ ઘટના થવાથી ચકચાર મચી છે.
જેદ્દાહમાં F1 ટ્રેક પર પ્રેક્ટિસ લેપ્સને આવરી લેતા એક એસોસિએટેડ પ્રેસ ફોટો જર્નાલિસ્ટે સ્થાનિક સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે ધુમાડો જોયો. રેસિંગ ટ્રેકથી થોડે દૂર એક ઓઈલ ડેપોમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. થોડી જ વારમાં, આગની જ્વાળાઓ દૂરથી ઉછળતી જોઈ શકાતી હતી.
F1એ તેમના નિવેદનમાં કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે.
હૂતીએ આ પહેલા પણ કર્યો હતો હુમલો
થોડા સમય અગાઉ અરામકોના જ એક ઓઈલ ડેપો પર યમનના હૂતી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો. તેના પછી કંપનીના શેર તૂટ્યા હતા. તેના પછી સાઉદી એરફોર્સે હૂતીના સ્થળોને નેસ્તનાબૂદ કરી દીધા હતા.
એવું જણાવાયું છે કે શુક્રવારે જે ડેપોમાં આગ લાગી, તેનાથી થોડા અંતરે જ એ ઓઈલ ડેપો છે, જેના પર હૂતી સંગઠને ડ્રોનથી એટેક કર્યો હતો. આ ડેપોના મોટાભાગના હિસ્સામાં ડીઝલ સંગ્રહિત કરવામાં આવે છે.