બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુસીબતો અટકવાનું નામ નથી લઇ રહી. પોર્ન કેસમાં ફસાયા બાદ હવે રાજ કુન્દ્રા છેતરપિંડીના કેસમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલામાં શિલ્પા શેટ્ટીની પણ તપાસ થઇ રહી છે. મુંબઈના બાંદ્રા પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર અને રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
શિલ્પા-રાજ વિરુદ્ધ કોણે ફરિયાદ કરી?
નિતિન બરાઈ નામના વ્યક્તિએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ છેતરપિંડી માટે FIR નોંધાવી છે. ફરિયાદ દાખલ કરનાર નીતિન બારાઈએ શિલ્પા અને રાજ પર 1.51 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તે વ્યક્તિનું કહેવું છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ તેની સાથે 2014-2015માં ફિટનેસ કંપની દ્વારા 1.51 કરોડની છેતરપિંડી કરી હતી.
આ કેસ શિલ્પા-રાજ કુન્દ્રા વિરુદ્ધ નોંધવામાં આવ્યા
નીતિન બરાઈની ફરિયાદ બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈની બાંદ્રા પોલીસે આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરશે. પૈસાની છેતરપિંડી મામલે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની પૂછપરછ થઈ શકે છે.
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં રહી ચુક્યો છે
રાજ કુન્દ્રા પોર્ન વીડિયો બનાવવા અને અપલોડ કરવા માટે લાંબા સમયથી જેલના સળિયા પાછળ હતો. હાલ રાજ કુન્દ્રાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજે મીડિયાથી પોતાનું અંતર બનાવી રાખ્યું હતું. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરી દીધા છે.
રાજ અને શિલ્પાનું જીવન ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું હતુ. બંને તાજેતરમાં મંદિરમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર શિલ્પા અને રાજની મુશ્કેલીઓ વધી રહી છે.