મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. તેની અટકાયત કરવામાં આવી છે અને NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. NCBની ટીમે આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામીચાને પણ હોસ્પિટલ લઈને આવી છે. આ બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. NCBએ ચાર કલાક સુધી આર્યનની પૂછપરછ કરી હતી.
મેડિકલ ટેસ્ટ બાદ ત્રણેયને NCBની ઓફિસ લાવવામાં આવ્યા છે. સાંજે સાડા છની આસપાસ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે કોર્ટ પહોંચી ગયા છે.
Maharashtra: Narcotics Control Bureau (NCB) detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai. Details awaited, says the agency
— ANI (@ANI) October 2, 2021
ત્રણેય પાસેથી ડ્રગ્સ ને 1.33 લાખ રૂપિયા મળ્યા
આર્યન, અરબાઝ તથા મુનમુન પાસેથી 13 ગ્રામ કોકેન, 3 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, MDMAની 22 ગોળીઓ તથા 1.33 લાખ રૂપિયા મળ્યા છે. ડ્રગ પેડલરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેને પણ NCBની ઓફિસ લાવવામાં આવ્યો છે.
આર્યન સામે આ કલમ લગાવવામાં આવી
આર્યન વિરુદ્ધ કલમ 8 (C), 20 (B), 27 તથા 35 લગાવવામાં આવી છે. આર્યને ડ્રગ્સ ખરીદવાનો ઇનકાર કર્યો છે. જોકે, NCBએ આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ મૂક્યો છે. આર્યન તથા અરબાઝ મર્ચન્ટની સામેસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે.
આર્યન ખાનના લેન્સના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું
'ABP'ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવ્યું છે.
ક્રૂઝમાંથી શું શું મળ્યું?
NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.
આ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે
1. મુનમુન ધમેચા 2. નુપૂર સારિકા 3. ઈસમીત સિંહ 4. મોહક જસવાલ 5. વિક્રાંત છોકર 6. ગોમિત ચોપરા 7. આર્યન ખાન 8. અરબાઝ મર્ચન્ટ
NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આર્યન ખાનની પૂછપરછની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં આર્યન ખાન પણ સામેલ છે.
આર્યને શું કહ્યું?
આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.
ક્રૂઝની અંદર ચાલતી પાર્ટીનો વીડિયો પણ NCBને મળ્યો છે અને આ વીડિયોમાં આર્યન ખાન જોવા મળે છે. આર્યને વ્હાઇટ ટી શર્ટ, બ્લૂ જીન્સ, રેડ ઓપન શર્ટ તથા કેપ પહેરી હતી. સૂત્રોના મતે, લોકો પાસેથી પેપર રોલ મળ્યા છે.
આર્યનનો ફોન જપ્ત
NCBએ આર્યનનો ફોન જપ્ત કરી લીધો છે. ફોનમાંથી ચેટ્સ શોધવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.
બે વકીલો NCBની ઓફિસમાં
શાહરુખ ખાને દીકરાને બચાવવા માટે 2 વકીલો NCBની ઓફિસ મોકલ્યા છે. હાલમાં બંને વકીલો ઓફિસમાં છે.
શરૂઆતમાં ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી હતી
દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેય યુવતીઓ દિલ્હીના બિઝનેસમેનની દીકરીઓ છે.
ડ્રગ્સ પાર્ટીમાં RTPCR કોડવર્ડનો ઉપયોગ થતો હતો
NCBએ કહ્યું હતું કે પાર્ટીમાં એન્ટ્રી માટે કોરોના ટેસ્ટિંગ સાથે જોડાયેલા ટેસ્ટ RTPCRનો કોડવર્ડ તરીકે ઉપયોગ થતો હતો.
સુનીલ શેટ્ટીએ નિવેદન આપ્યું
સુનીલ શેટ્ટીએ ડ્રગ્સ પાર્ટી કેસ પર નિવેદન આપ્યું છે. એક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ દરોડા પડે છે ત્યારે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે. આપણે પહેલેથી જ એવું માનીને ચાલીએ છીએ કે કોઈ પણ બાળક��� ડ્રગ્સ લીધું જ હશે. હજી તપાસ ચાલુ છે. તે બાળકને થોડો સમય તો આપો.
દિલ્હી હેડ ક્વાર્ટરથી આ આખા કેસ પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કાયદાકીય તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પણ જોડાયેલા છે, તે તમામ વિરુદ્ધ ફરિયાદ થશે.
15 દિવસ પહેલાં માહિતી મળી હતી
NCBએ કહ્યું હતું કે ક્રૂઝ પર ચાલતી પાર્ટી અંગે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તથા શિપિંગ મિનિસ્ટ્રીને વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. ક્રૂઝ પર પાર્ટીની જાણ 15 દિવસ પહેલાં જ થઈ હતી. ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે પણ લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમના વિરુદ્ધ પુરાવા મળ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે.
પાર્ટી પહેલાં 14 પાનાંની ગાઇડલાઇન આપવામાં આવી હતી
સૂત્રોના મતે, પાર્ટી શરૂ થતાં પહેલાં 14 પાનાંની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં ક્યારે આવવું, શું કરવું, શું થશે અને કઈ વસ્તુ લાવવી નહીં તે તમામ વાત કરવામાં આવી હતી. પાર્ટીમાં સામેલ થનાર લોકોએ 2 ઓક્ટોબરના રોજ બપોરે 12-2ની વચ્ચે આવવાનું હતું. આ પાર્ટીમાં 25 કલાકારો પર્ફોર્મ કરવાના હતા અને ગાઇડલાઇનમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે ડ્રગ્સ તથા અન્ય અવૈદ્ય પદાર્થ લાવવા નહીં.
ઓર્ગેનાઈઝરને સમન્સ, ફેશન ટીવીના MDને બોલાવવામાં આવ્યો
આ કેસમાં NCBએ છ ઓર્ગેનાઇઝરને સમન્સ પાઠવ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. ફેશન ટીવી ઇન્ડિયાના એમડી કાશિફ ખાનને પણ બોલાવામાં આવ્યા છે. આ દરમિયાન કાર્ડેલિયા ક્રૂઝના અધ્યક્ષ જુર્ગન બેલોમે કહ્યું હતું કે દરોડા દરમિયાન NCBના કેટલાંક યાત્રીઓના સામાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને તે યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા હતા.
આ ક્રૂઝ મુંબઈથી ગોવા જતું હતું. શનિવાર, 2 ઓક્ટોબરના રોજ બપોરે આ ક્રૂઝ ગોવા જવા રવાનું થયું હતું અને 4 ઓક્ટોબરે મુંબઈ આવાવનું હતું. આ ક્રૂઝ પર 'ક્રેઅર્ક'એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી.
શું છે ઘટનાક્રમ?
NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પણ ડ્રગ્સ મળી આવ્યું છે તે MD કોક અને હશિસ છે.
મળેલી માહિતી પ્રમાણે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે મુંબઈમાં આ શિપર પર સવાર થઈ ગયા હતા. જોકે જ્યારે શિપ મધ દરિયે પહોંચ્યું ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ રહેલા લોકો નજર આવ્યા હતા અને ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બોલિવૂડના અનેક સ્ટાર્સ પર NCBએ કાર્યવાહી કરી છે
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ બોલિવૂડ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા સ્ટાર્સની NCBની ટીમ દ્વારા પૂછપરછ કરી ચુકી છે. જેમાં અભિનેતા અર્જુન રામપાલ, અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભિનેતા અરમાન કોહલી, અભિનેત્રી રિયા ચક્રવર્તી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા, અભિનેતા એઝાઝ ખાન, ટીવી કલાકાર ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે.