સ્પેન, સર્બિયા અને ક્રોએશિયાએ આગામી વર્ષે 2022માં કતાર ખાતે યોજાનારા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે સીધું ક્વોલિફાય કરી લીધું છે. બીજી તરફ સ્વીડન, પોર્ટુગલ અને રશિયાએ હજુ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. એલેકસાન્દ્ર મિત્રોવિચે 90મી મિનિટે હેડર દ્વારા કરેલા ગોલની મદદથી સર્બિયાએ સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને પોર્ટુગલને સ્તબ્ધ કરી દીધા હતા. સર્બિયાએ લિસ્બન ખાતે રમાયેલી આ મેચમાં પોર્ટુગલને 2–1થી પરાજય આપ્યો હતો. પોર્ટુગલને ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવા માત્ર ડ્રોના પરિણામની જરૂર હતી પરંતુ મિત્રોવિચના ગોલે તેની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. સર્બિયા આ વિજય સાથે ગ્રૂપ–એમાં ટોચના ક્રમે રહ્યું છે. પોર્ટુગલ પાસે હજુ પણ ક્વોલિફાય કરવાની તક છે. તેણે માર્ચમાં રમાનારા પ્લે ઓફમાં સ્થાન મેળવવું પડશે. પોર્ટુગલ માટે રેનાટો સાંચેજે બીજી જ મિનિટે ગોલ કર્યો હતો પરંતુ ડુસાન ટૈડિચે 33મી મિનિટે ગોલ કરીને સર્બિયા માટે સ્કોર 1–1થી સરભર કર્યો હતો. મેચ પૂરી થયા બાદ રોનાલ્ડો હતાશ થઈને મેદાનમાં જ બેસી ગયો હતો.
રશિયાના ડિફેન્ડર કુદ્રિયાશોવનો આત્મઘાતી ગોલ
ગ્રૂપ–એની અન્ય મેચમાં આયરલેન્ડે લક્સમબર્ગને 3–0થી પરાજય આપ્યો હતો. સ્પેનને ક્વોલિફાય કરવા માટે પોતાની અંતિમ મેચમાં માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ તેના સબસ્ટિટયૂટ ખેલાડી અલવારો મોરાટોએ 86મી મિનિટે ગોલ કરીને ગ્રૂપ–બીમાં પોતાની ટીમને 1–0થી વિજય અપાવ્યો હતો. સ્વીડનના સ્ટાર ઝલ્ટાન ઇબ્રાહીમોવિચની પણ વધુ એક વર્લ્ડ કપમાં રમવાની આશા હવે પ્લે ઓફ ઉપર ટકેલી છે. ગ્રૂપ–બીમાં ગ્રીસ અને કોસાવો વચ્ચેનો મુકાબલો 1–1થી ડ્રો રહ્યો હતો. રશિયન ડિફેન્ડર ફેડોર કુદ્રિયાશોવે 81મી મિનિટે કરેલા આત્મઘાતી ગોલના કારણે ક્રોએશિયાએ 1–0થી વિજય મેળવ્યો હતો. ગ્રૂપ–એચમાં ક્રોએશિયા ટોચના ક્રમે છે.
સ્લોવાકિયાએ માલ્ટાને 6–0ના માર્જિનથી હરાવ્યું
ગ્રૂપ–એચમાં ત્રીજા સ્થાને સ્લોવાકિયાની ટીમે માલ્ટા સામે 6–0ના માર્જિનથી વિજય હાંસલ કર્યો હતો જેમાં ઓન્ડરેઝ ડૂડાએ ગોલની હેટ્રિક નોંધાવી હતી. સ્લોવેનિયાએ સાયપ્રસને 2–1થી હરાવ્યું હતું. જર્મની ગ્રૂપ–જેમાં અગાઉથી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે પરંતુ તેણે આર્મેનિયાને 4–1થી હરાવીને પોતાના વિજયી અભિયાનને જારી રાખ્યું હતું.