યૂક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટેનું અભિયાન તેજ થઇ ગયું છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. યૂક્રેનથી આજે 56 વિદ્યાર્થીઓ ગુજરાત આવશે. સાંજે ચાર વાગ્યે મુંબઇ એરપોર્ટ પર વિદ્યાર્થીઓ પહોંચશે. ત્યારબાદ બાળકોને મુંબઇથી વોલ્વો બસ મારફતે ગુજરાત લાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે GSRTCની બે વોલ્વોની સાથે ત્રણ અધિકારીઓ મુંબઇ જવા રવાના થયા છે. એર ઈન્ડિયાએ શુક્રવારે રાત્રે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે તે દિલ્હી અને મુંબઈથી 26 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ B787 વિમાન બુખારેસ્ટ અને બુડાપેસ્ટ માટે સંચાલિત કરશે.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા રશિયાના આક્રમણને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે શનિવારે પોતાની ત્રણ ઉડાનોને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ અને એક ઉડાન હંગરીની રાજધાની બુડાપેસ્ટ મોકલશે. વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે ભારતીય નાગરિક રોડ માર્ગે યુક્રેન-રોમાનિયા સરહદ પર પહોંચી ગયા છે તેમને ભારત સરકારના અધિકારી બુખારેસ્ટ લઈ જશે જેથી કરીને ત્યાંથી તેમને એર ઈન્ડિયાની ફ્લાઇટ દ્વારા સ્વદેશ લાવી શકાય.
તો યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે તેઓ રોમાનિયા તથા હંગેરીથી આવતા માર્ગોને નિર્ધારિત કરવાનું કામ કરી રહ્યાં છે. દૂતાવાસે કહ્યું કે હાલમાં અધિકારીઓની ટીમ ઉઝોરોદની પાસે ચોપ-જાહોની હંગરી સરહદ, ચેર્નીવત્સીની પાસે પોરબ્ને-સીરેત રોમાનિયાઈ સરહદ ચોકીઓ પર પહોંચી રહી છે. આ સરહદ ચેકપોસ્ટની નજીક રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયની સાથે સંપર્ક કરીને વ્યવસ્થિત રીતે રવાના થવાની સલાહ આપે છે.
અધિકારીઓએ કહ્યું કે યુક્રેનમાં હાલ આશરે 20 હજાર ભારતીયો ફસાયેલા છે જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. દૂતાવાસે ભારતીયોને પોતાનો પાસપોર્ટ, રોકડ (પ્રાથમિક રૂપે ડોલરમાં) અન્ય જરૂરી વસ્તુઓ અને કોવિડ રસીકરણ પ્રમાણપત્ર સરહદ ચોકીઓ પાસે પોતાની સાથે રાખવાની સલાહ આપી હતી. દૂતાવાસે કહ્યું કે ભારતીય ધ્વજ (કાગળ પર) પ્રિન્ટ કાઢી લે અને યાત્રા દરમિયાન વાહનો તથા બસો પર તેને ચોંટાડી દે.
યુક્રેનની રાજધાની કિવ અને રોમાનિયાની સરહદ વચ્ચે આશરે 600 કિલોમીટરનું અંતર છે અને રોડ માર્ગે આ અંતર કાપતા આશરે સાડા આઠથી 11 કલાકનો સમય લાગે છે. રોમાનિયાની ચેકપોસ્ટ બુખારેસ્ટ આશરે 500 કિમી દૂર છે તથા રોડ માર્ગે જતા 7 કલાક જેટલો સમય લાગે છે. તો કિવ અને હંગેરીની સરહદ 820 કિમી દૂર છે અને ત્યાં જવા માટે 12-13 કલાકનો સમય લાગે છે.
નોંધનીય છે કે યુક્રેનના અધિકારીઓએ યાત્રી વિમાનોના સંચાલન માટે પોતાના દેશના વાયુ ક્ષેત્રને બંધ કરી દીધુ હતું તેથી ભારતીયોને સ્વદેશ લાવવા માટે આ ઉડાનોનું સંચાલન બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી કરવામાં આવી રહ્યું છે.