અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે આજે વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત એટીએસની ટીમે દિલ્લીથી અટકાયત કરી છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. આજે બપોર સુધીમાં મૌલવીને અમદાવાદ લાવી ધરપકડ કરવામાં આવશે.
આરોપી મહંમદ ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ગઈકાલે જ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કર્યા હતા.
ગૃહમંત્રીના આદેશ બાદ તપાસ ATSને સોંપાઈ
કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. એવામાં ATS હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ કરશે. આ અંગે ATSના DySP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.
કિશન ભરવાડની હત્યા કેસમાં 6ની ધરપકડ
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો છે. જ્યારે ગઈકાલે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર બનાવ શું હતો?
મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.