ફિલિપાઇન્સમાં ચક્રવાતી તોફાન રાયે કાળો કેર મચાવ્યો છે. ચક્રવાતી તોફાને ઓછામાં ઓછામાં 112 લોકોના જીવ લીધા છે. વાવાઝોડાની સૌથી વધારે ખરાબ અસર પેરેડાઇઝ આઇલેન્ડ પ્રાંતમાં થઇ છે જ્યાં વાવાઝોડાને કારણે 63 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બોહોલ પ્રાંતના ગવર્નર આર્થર યાપે જણાવ્યું હતું કે 10 લોકોની હજુ સુધી કોઇ ભાળ મળી રહી નથી જ્યારે 13 અન્ય લોકો લાપતા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે વાવાઝોડામાં માર્યા ગયેલા લોકોનો મૃત્યુઆંક વધી શકે છે કારણ 48 પૈકી માત્ર 33 મેયર જ તેમનો સંપર્ક કરવા સમર્થ રહ્યા છે કારણ કે વાવાઝોડાને કારણે કમ્યુનિકેશન સેવા પણ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે.
યાપે ફેસબૂક પર નિવેદન પોસ્ટ કરતા પ્રાંતીય મેયરોને આદેશ આપતા કહ્યું હતું કે તેઓ ફૂડ પેકેટ અને પીવાનું પાણી મેળવવા પોતાની ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરે. તેમણે કહ્યું હતું કે પીવાનું પાણી હાલ તાત્કાલિકની સમસ્યા છે કારણ કે પાણીના સપ્લાય સ્ટેશનો વીજ પુરવઠો પડી ભાંગવાને કારણે બંધ છે. વાવાઝોડાએ વેરેલા વિનાશના હવાઇ સર્વેક્ષણ બાદ યાપે કહ્યું હતું કે, વાવાઝોડાને કારણે બોહોલમાં ભારે તારાજી ફેલાઇ છે. તેમણે કહ્યું હતું કે તેમના પ્રારંભિક નિરીક્ષણમાં ચાર નગરો સામેલ થઇ શક્યા નથી જ્યાં વાવાઝોડાએ વધારે તારાજી સર્જી છે.
ગવર્નરે વધુમાં કહ્યું હતું ચક્રવાતી તોફાનને કારણે 7 લાખ 80 હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે. પ્રભાવિત લોકોમાં 3 લાખ એવા રહેવાસીઓ છે જેમણે પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસવું પડયું હતું.