સંયુક્ત આરબ અમીરાત (UAE) એ રવિવારે જાહેરાત કરી હતી કે તે હવે થીયેટરોમાં રીલિઝ થતી ફિલ્મોને સેન્સર કરશે નહીં. UAEની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી હવે સેન્સરશિપને બદલે 21+ રેટિંગમાં ફિલ્મો રિલીઝ કરશે. UAEમાં, પરંપરાગત ઇસ્લામિક લાગણીઓને ઠેસ પહોંચાડતા સંવેદનશીલ દ્રશ્યોને કાપવાને બદલે, તેને 21+ રેટિંગ આપવામાં આવશે.
યુએઈની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મો હવે સિનેમાઘરોમાં તેમના આંતરરાષ્ટ્રીય આવૃત્તિ અનુસાર દર્શાવવામાં આવશે.’
આ દેશમાં વિદેશીઓની સંખ્યા સ્થાનિકો કરતાં વધુ છે જ્યાં એક સ્થાનિક સામે નવ વિદેશીઓ છે. પ્રવાસન આધારિત દેશમાં સંસ્કૃતિ અને ધર્મની વિવિધતા તેના ઇસ્લામિક કાયદાઓ અને પરંપરાઓ સાથે ઘણી વખત વિરોધાભાસી રહી છે. આ જ કારણ છે કે આ દેશ છેલ્લા કેટલાક સમયથી પોતાના કાયદામાં બદલાવ કરી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ઘણા કાયદાઓમાં થઈ રહ્યા છે સુધારા
UAEનો આ નિર્ણય એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેલ પર તેની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. યુએઈએ તાજેતરના વર્ષોમાં તેના કાયદાઓમાં ઘણા સુધારા કર્યા છે. ગલ્ફ દેશ ઇચ્છે છે કે વિશ્વની સામે તેની છબી ઉદાર અને સુધારાવાદી મુસ્લિમ દેશની હોય, જેથી વિદેશી રોકાણ અને પર્યટનને પ્રોત્સાહન મળે. 21+ રેટિંગ પણ UAE દ્વારા આ છબીને પ્રમોટ કરવાનો નવો પ્રયાસ છે.
આ નિર્ણયથી થિયેટર જનારાઓ માટે શું બદલાશે?
હવે UAEમાં એડલ્ટ કન્ટેન્ટને કાપવાને બદલે, તેને 21+ કેટેગરીમાં રિલીઝ કરવામાં આવશે. આ પહેલા દેશમાં સેન્સરશીપ કાયદાના કારણે ઘણી વેબસાઈટ અને ચેનલો બ્લોક કરવામાં આવી હતી અને ફિલ્મોમાંથી કિસિંગ અને સેક્સ સીન હટાવી દેવામાં આવ્યા હતા. ચેનલ પર બિન-હલાલ ખાવાની વસ્તુઓના નામ પણ પ્રોગ્રામમાં બ્લર કરી દેવામાં આવતા હતા. નવા નિયમ બાદ આ તમામ બાબતો બદલાશે.
થોડા દિવસ પહેલા જ અહીં કામ કરવાના દિવસોમાં બદલાવ કરવામાં આવ્યો છે જે અનુસાર, આવતા વર્ષથી અઠવાડિયાના માત્ર સાડા ચાર દિવસ જ કામ કરવાનું અને અઢી દિવસનો વિકેન્ડ મળશે.