જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) બડગામ (Budgam) જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓએ તહસીલદારની ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત કર્મચારીને ગોળી મારી દીધી હતી. ઓફિસમાં અચાનક થયેલા ફાયરિંગના કારણે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા બાદ અન્ય લોકો ઘાયલ કર્મચારી રાહુલ ભટ્ટને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. આ પછી તેને શ્રીનગર રિફર કરવામાં આવ્યો. જ્યાં થોડા સમયની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર કાશ્મીરમાં ખળભળાટ મચી ગયો છે. બડગામથી શ્રીનગર સુધી ઉગ્ર દેખાવો પણ થઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બડગામના ચદૂરા તહસીલમાં કામ કરતા કર્મચારી રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિતોએ જમ્મુ-શ્રીનગર હાઈવે અને બારામુલ્લા-શ્રીનગર હાઈવે બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડી રાત સુધી આ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા કાશ્મીરી પંડિતોએ મૃતદેહને રસ્તા પર મૂકીને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાશ્મીરી પંડિત કર્મચારીઓએ કહ્યું છે કે તેઓ સુરક્ષા વિના કામ પર નહીં જાય. તે જ સમયે, પ્રદર્શનકારીઓ લેફ્ટનન્ટ ગવર્નરના આગમનને લઈને મક્કમ હતા, પરંતુ પછીથી ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુજીત કુમારના આશ્વાસન પર, કર્મચારીઓ મૃતદેહને લઇ જવા સંમત થયા.
એક દિવસ પહેલા જ કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી
આતંકવાદીઓએ મહેસૂલ વિભાગમાં તૈનાત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પછી આતંકીઓ ભાગી ગયા હતા.
રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર
રાહુલ ભટ્ટના આજે બાંટલાબમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એડીજીપી જમ્મુ મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આતંકવાદી ઘટના બાદ સુરક્ષા દળો તહસીલદાર ઓફિસ પહોંચ્યા હતા. આ પછી તેમણે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓની શોધ ચાલુ છે. કાશ્મીર ટાઈગર નામના ઓછા જાણીતા આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી છે. આતંકી સંગઠને ઘટના બાદ ઉર્દૂ ભાષામાં લખેલો મેસેજ પણ જારી કર્યો હતો.
પોતાના સંદેશમાં આતંકવાદી સંગઠને લખ્યું, 'આજે કાશ્મીર ટાઈગરે બડગામના ચદૂરામાં એક હિન્દુ આતંકવાદીની હત્યાની જવાબદારી લીધી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જે કોઈ હિંદુ ઓફિસમાં મુસ્લિમોને હેરાન કરશે તેનું પરિણામ આવુ જ આવશે. ભવિષ્યમાં જો કોઈ મુસલમાનોને હેરાન કરવાનો પ્રયાસ કરશે તો તેણે પણ આ જ પરિણામ ભોગવવું પડશે.