પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે તેમની ખુરશી ગુમાવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આજે પીએમ પદ પરથી રાજીનામું આપશે અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરશે. હકીકતમાં આજથી ત્રણ દિવસ એટલે કે 12 ઓગસ્ટે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન કોણ હશે તેના પર સૌની નજર ટકેલી છે.
પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. શાહબાઝની આજે વિદાય થશે અને તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં બંધ છે. ગઈ કાલે ઈસ્લામાબાદમાં આયોજિત વિદાય સત્રમાં પીએમ શાહબાઝે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિને નેશનલ એસેમ્બલી ભંગ કરવા માટે પત્ર લખશે અને તેમની સલાહ લેશે. જો રાષ્ટ્રપતિ તેનો સ્વીકાર નહીં કરે તો 48 કલાકમાં વિધાનસભા આપોઆપ ભંગ થઈ જશે. ત્યાર બાદ પાકિસ્તાનમાં વચગાળાની સરકાર બનશે.
પાકિસ્તાનમાં વચગાળાની સરકાર બનશે
હકીકતમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન બાદ પાકિસ્તાનમાં કેરટેકર પીએમની ચૂંટણી થશે. PM શાહબાઝ અને વિપક્ષના નેતા રાજા રિયાઝ કેરટેકર વડાપ્રધાન વિશે વાતચીત કરશે. વડા પ્રધાન શાહબાઝ વચગાળાની સરકાર માટે સંસદીય નેતાઓ સાથે વાતચીત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ શાહબાદ પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને જેયુઆઈ-એફના સુપ્રીમો ફઝલુર રહેમાનની પણ સલાહ લેશે.
કોણ બનશે રખેવાળ વડા પ્રધાન?
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં કાર્યવાહક વડાપ્રધાન પદની રેસમાં ત્રણ નામ આગળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતાએ ચર્ચા વિચારણા બાદ ત્રણ નામ ફાઈનલ કર્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન અને વિપક્ષી નેતા આ ત્રણમાંથી કોઈપણ એક નામ પર સહમત થશે. જો કે પીએમ શાહબાઝે આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે હજુ ઉમેદવારોના નામ નક્કી થયા નથી.
તો બીજી તરફ, જ્યારે પીએમ શાહબાઝને પૂછવામાં આવ્યું હતું કે શું પૂર્વ નાણામંત્રી ડો. અબ્દુલ હફીઝ શેખ પાકિસ્તાનના રખેવાળ વડા પ્રધાન હશે તો જવાબમાં તેમણે કહ્યું હતું કે કોઈ નામ ફાઈનલ થયું નથી. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પીએમ શાહબાઝનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ઈમરાન ખાન જેલમાં બંધ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક કોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં તે ને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સજા માટે પંજાબ પોલીસે તેને લાહોરના તેમના ખાનગી રહેઠાણ જમાન પાર્કમાંથી ધરપકડ કરી હતી.