સુકાની તરીકે રિષભ પંત સતત ત્રીજો ટોસ હાર્યો પરંતુ બે મેચ બાદ પ્રથમ વિજય મેળવવામાં સફળ રહ્યો
ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશને નોંધાવેલી સદી બાદ સ્પિનર યુજવેન્દ્ર ચહલની 3 તથા પેસ બોલર હર્ષલ પટેલની 4 વિકેટની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રીજી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાને 48 રનથી પરાજય આપીને શ્રેણી જીવંત રાખી હતી. સાઉથ આફ્રિકા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. બંને ટીમ વચ્ચે હવે 17મીએ રાજકોટ ખાતે ચોથી ટી20 રમાશે. ભારતના 5 વિકેટે 180 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકન ટીમ 19.1 ઓવરમાં 131 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. રિષભ પંતે સુકાની તરીકે પ્રથમ વિજય મેળવ્યો હતો. રનચેઝ કરનાર સાઉથ આફ્રિકન ટીમે સાતમી ઓવર સુધીમાં જ 40 રનના સ્કોરે સુકાની બાવુમા (8), હેન્ડ્રિક્સ (23) સહિત ત્રણ ટોચની વિકેટ ગુમાવી દીધી હતી. હેનરિચ ક્લાસેને 24 બોલમાં 29 તથા વેન પાર્નેલે 18 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. ફોર્મમાં રહેલો ડેવિડ મિલર માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલે 25 રનમાં 4 તથા લેગ સ્પિનર ચહલે 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
પાવરપ્લેમાં ભારતની આક્રમક શરૂઆત
ઋતુરાજ અને ઇશાન કિશનની ઓપનિંગ જોડીએ પાવરપ્લેની છ ઓવરમાં 57 રન નોંધાવીને ભારત માટે આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી નોંધાવી હતી. સતત બીજી અડધી સદી નોંધાવનાર ઇશાને 35 બોલમાં 7 બાઉન્ડ્રી અને 2 સિક્સર વડે 57 તથા ઋતુરાજે 35 બોલમાં 5 બાઉન્ડ્રી તથા 2 સિક્સર વડે 54 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શ્રેયસ ઐયર (14), સુકાની રિષભ પંત (5) તથા કાર્તિક (6) રન બનાવીને આઉટ થયા હતા સુકાની રિષભ પંતનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતું. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા 21 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રિટોરિયસે 29 રનમાં 2 વિકેટ ઝડપી હતી.