મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ રેપો રેટ 4.90 ટકાથી વધીને 5.40 ટકા થઈ જશે. આરબીઆઈના આ નિર્ણય બાદ સરકારથી લઈને પ્રાઈવેટ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, ત્યારબાદ તમારી EMI મોંઘી થઈ જશે. આની પહેલા પણ 4 મે અને 8 જૂન, 2022ના રોજ RBIએ રેપો રેટમાં કુલ 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, ત્યારબાદ બેંકોથી લઈને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ હોમ લોન પર વ્યાજ દર 0.90 ટકાથી વધારીને 1.15 ટકા કર્યો છે. હોમ લોન EMI હવે ફરી એકવાર મોંઘી થશે.
RBI દ્વારા રેપો રેટ વધારવાની અસર
આરબીઆઈના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ બેંકો હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી લોન મોંઘી કરશે અને મોંઘી લોનનો સૌથી મોટો ફટકો એ લોકોએ ભોગવવો પડશે જેમણે તાજેતરના સમયમાં બેંકો અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી હોમ લોન લઈને ઘર ખરીદ્યું છે. આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે હવે 5.40 ટકા થઈ ગયો છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં આરબીઆઈએ લોન 1.40 ટકા મોંઘી કરી છે. ચાલો જોઈએ કે રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યા બાદ ત્રણ મહિનામાં તમારી હોમ લોન EMI કેટલી મોંઘી થઈ જશે.
20 લાખની હોમ લોન
ધારો કે તમે 6.85 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તમારે 15,326 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. પરંતુ રેપો રેટમાં કુલ 1.40 બેસિસ પોઈન્ટના ત્રણ વખત વધારા પછી હોમ લોન પર વ્યાજ દર વધીને 8.25 ટકા થઈ જશે, જેના પછી તમારે 17,041 રૂપિયાની EMI ચૂકવવો પડશે. એટલે કે ત્રણ મહિનામાં 1715 રૂપિયા વધુ EMI મોંઘી થઈ જશે. આખા વર્ષમાં તમારા ખિસ્સા પર 20,580 રૂપિયાનો વધારાનો બોજ પડશે.
40 લાખની હોમ લોન
જો તમે 6.95 ટકાના વ્યાજ દરે 15 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો તમારે હાલમાં 35,841 રૂપિયાની EMI ચૂકવવી પડશે. પરંતુ રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યા પછી વ્યાજ દર વધીને 8.35 ટકા થઈ જશે, ત્યારબાદ તમારે 38,806 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 2965 રૂપિયા વધુ EMI ચૂકવવા પડશે અને આખા વર્ષમાં ઉમેરીએ તો 35,580 વધુ EMI ચૂકવવા પડશે.
50 લાખની હોમ લોન
જો તમે 7.25 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો તમે હાલમાં 39,519 રૂપિયાની EMI ચૂકવી રહ્યાં છો. પરંતુ રેપો રેટમાં 1.40 ટકાના વધારા બાદ હોમ લોન પર વ્યાજ દર વધીને 8.65 ટકા થઈ જશે, ત્યારબાદ 43,867 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે, દર મહિને 4348 રૂપિયા વધુ EMI ચૂકવવા પડશે અને એક વર્ષમાં તમારા ખિસ્સા પર 52,176 રૂપિયાનો વધારાનો બોજ પડશે.
શું EMI વધુ મોંઘો થશે?
જોકે, આરબીઆઈએ ત્રણ તબક્કામાં રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. માનવામાં આવે છે કે જે રીતે ક્રૂડ ઓઈલ સહિત અન્ય ચીજવસ્તુઓની કિંમતો નીચે આવી રહી છે તે પછી આરબીઆઈને ભવિષ્યમાં લોન મોંઘી નહીં કરવી પડે.