નેત્રંગ ખાતે ભાજપના એક કાર્યક્રમમાં ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને આડેહાથ લીધા હતા. ખોટા પ્રમાણપત્ર મુદ્દે સાંસદ વસાવાએ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ સંમેલનમાં કહ્યું કે આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે સરકારમાં નિર્ણય થઈ ગયો છે પણ ખોટા લોકો જાહેર કરવા માટે રોકી રહ્યા છે.
નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ચૈતર વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર આદિવાસી નેતા છે પણ ખોટા પ્રમાણપત્રો બાબતે કેમ બોલતા નથી તેઓ સવાલ ઉઠાવ્યો હતો. વધુમાં તેમણે, સાંસદ ગીતાબેન રાઠવાતો રાઠવા જ નથી કે શું બીજા કોઈ સમાજના હોઈ એમ લાગે છે જેવા આકરા વેણ કહ્યા હતા.
વધુમાં વસાવાએ કહ્યું હતું કે, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ છોટુ વસાવાને પણ બદનામ કરી નાખ્યા છે. આજે છોટુ વસાવા પણ દુઃખી છે. જેવું બિટીપી કરતા હતા તેવું ભાજપમાં કરવા માંગે છે. પણ ભાજપમાં એવું નહિ ચાલે સુધરી જજો. રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપની લોકસભાની ચૂંટણીમાં જેને જેટલા ધમપછાડા કરવા હોઈ તે કરી લે. ચૂંટણી તો હું રમતા રમતા જીતી જવાનો છું તેવો હુંકાર મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે જો પાર્ટીમાં વિચારધારા વગરના લોકોને લેવા તૈયાર થયા છે તો વિધાનસભા નાંદોદથી અપક્ષમાં ચૂંટણી લાડનાર હર્ષદ વસાવાને જ પાછા લઈ લો ભાજપની વિચારધારાનો વ્યક્તિ છે ભૂલ થઈ ગઇ છે તેને સુધારી લેશે. ડો. દર્શનાબેન દેશમુખ એ પણ અપક્ષમાં ચૂંટણી લડી હતી. હું બધાને કહું છું જો મને છંછેડવાનો પ્રયત્ન કરશે તો બધાના થિકરા સાફ કરી નાખીશ.
મનસુખ વસાવાએ આગળ જણાવ્યું હતું કે રિતેશ વસાવા અને પ્રકાશ વસાવા થી ઝઘડિયા તાલુકાના સંગઠનના લોકો ડરે છે. મારી ઉપર સુધી ખોટી રજુઆત કરે છે એ બંને પણ કોઈ ફરક નથી પાડવાનો મનસુખ વસાવા ને હું તો એક પ્રકારનો બાવો છું સાંસદ સભ્ય પદ છૂટી જશે પછી ખુલ્લે આમ બોલીસ.