રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વકરી રહ્યું છે ત્યારે હવે અહેવાલો સામે આવ્યા છે કે રશિયાએ યૂક્રેન પર ટોક્સિક એજન્ટનો ઉપયોગ કરીને રાસાયણિક હુમલો કર્યો છે. રશિયાના હુમલા બાદ બ્રિટનના વિદેશપ્રધાન લિઝ ટ્રૂસે કહ્યું હતું કે આ હુમલા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જવાબદેય ગણાવવામાં આવશે. મારિયુપોલ હાલ રશિયાના ભીષણ હુમલાનો સામનો કરી રહ્યું છે અને અપુષ્ટ અહેવાલોમાં જણાવાયંુ હતું કે મારિયુપોલના દક્ષિણ બંદર શહેર એઝોવમાં અજાણ્યા સ્થળેથી ઝેરી પદાર્થ રિલીઝ કરાયો હતો જેના કારણે લોકોને શ્વાસમાં લેવામાં તકલીફ પડી હતી અને સાથે જ કેટલાક લોકોમાં શ્વસનતંત્રની નિષ્ફળતા અને વેસ્ટિબુલો એટેક્ટિક સિન્ડ્રોમ જેવી સમસ્યા જોવા મળી હતી. લિઝ ટ્રૂસે જણાવ્યુ હતું કે તેમનો વિભાગ ભાગીદારો સાથે મળીને આ દાવાઓની ખરાઇ કરી રહ્યો છે, જોકે, રશિયા સમર્થક અલગતાવાદીઓએ આ તમામ દાવાઓને નકાર્યા છે. લિઝએ ટ્વિટ કરીને કહ્યું હતું કે રશિયન સેનાએ મારિયુપોલમાં લોકો પર રાસાયણિક એજન્ટનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. અમે અમારા ભાગીદારો સાથે મળીને તાત્કાલિક ધોરણે વિગતોની ખરાઇ કરી રહ્યા છીએ. આવા કોઇપણ હથિયારનો ઉપયોગ આ સંઘર્ષને વધુ વકરાવશે અને અમે પુતિન અને તેમની સરકારને તેના માટે જવાબદાર ઠેરવીશું.
બ્રિટિશ આર્મ્ડ ફોર્સિસ મિનિસ્ટર જેમ્સ હિપ્પેએ જણાવ્યુ હતું કે, કેટલીક બાબતો એવી છે જે નિયંત્રણની બહાર છે અને રાસાયણિક હથિયારોના ઉપયોગનો જવાબ મળશે અને અમારા તરફથી કેવો પ્રતિભાવ અપાશે તે અંગે અમારા તમામ વિકલ્પો ખુલ્લા છે. રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોમવારે રાત્રે કબૂલાત કરી હતી કે રશિયન સેનાએ કદાચ રાસાયણિક હથિયારો ખડક્યાં છે, જોકે ઝેલેન્સ્કી આમ કહેતા બચ્યા હતા કે રશિયાએ તેનો મારિયુપોલમાં ઉપયોગ કર્યો છે. મારિયુપોલમાં 10 હજારથી વધુનાં મોત
રશિયાના બંદર શહેર મારિયુપોલના મેયરે સોમવારે જણાવ્યુ હતું કે રશિયન સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં મારિયુપોલમાં 10 હજારથી વધારે નાગરિકોનાં મોત થયાં છે અને મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થઇ શકે છે અને તે 20 હજારના આંકને આંબી શકે છે. શહેરની શેરીઓમાં લોકોના મૃતદેહ વેરાયેલા પડયા છે. મારિયુપોલના મેયર વેડિમ બોયશેન્કોએ સાથે જ રશિયન સેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે સપ્તાહોથી નાગરિકોને ક્ષેમકુશળ રીતે શહેર છોડી જવા માટે તૈયાર કરાયેલા માનવીય કોરિડોરને પણ અવરોધી રાખ્યો છે જેથી કરીને અહીં થયેલા નરસંહારને દુનિયાથી સંતાડી શકાય.
યૂક્રેનના આયુધ ભંડારનો ખાત્મો કરાયો
રશિયન સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો હતો કે તેની સેનાએ ખ્મેલનિત્સ્કી અને કિવ ક્ષેત્રમાં યૂક્રેનના એમ્યુનિશન ડેપોનો ખાત્મો બોલાવ્યો છે. રશિયાની સેનાએ મિસાઇલનો ઉપયોગ કરીને આ બંને શહેરમાં આવેલા આયુધ ડેપોનો ખાત્મો બોલાવી દીધો હતો. દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે રશિયાની સેના યૂક્રેનમાં ખૂબ જ સાહસિકતા અને અસરકારક રીતે યુદ્ધ લડી રહી છે અને સાથે જ રશિયા યૂક્રેન યુદ્ધમાં તેણે નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરી જ લેશે.
તમામ વિકલ્પો ખુલ્લા છે : બ્રિટન
રશિયા દ્વારા રાસાયણિક હથિયારોના ઉપયોગના અહેવાલો વચ્ચે બ્રિટને કહ્યું હતું કે યૂક્રેનમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ અંગે
પિૃમી દેશ કઇ રીતે પ્રતિક્રિયા આપે છે તે અંગે તમામ વિકલ્પો ખુલ્લા છે. બ્રિટિશ વિદેશપ્રધાને પણ કહ્યું હતું કે બ્રિટન હાલ આ રાસાયણિક હુમલાના અહેવાલોની ખરાઇ કરાવી રહ્યું છે. રશિયન સેનાએ કોઇ અજાણ્યા કેમિકલ એજન્ટનો પ્રયોગ કર્યો હોવાના અહેવાલ છે.