અમેરિકાના પૂર્વ સ્ટાર બોક્સર માઈક ટાયસનનો ગુસ્સે ભરેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં માઈક ટાયસન ફ્લાઈટમાં એક મુસાફરને મારતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માઈક ટાયસન પેસેન્જરના ચહેરા પર મુક્કા મારી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 55 વર્ષના ટાયસન હંમેશા તેના ગુસ્સા માટે જાણીતા છે. આની પહેલાં પણ તે અનેક પ્રસંગોએ પોતાનો પિત્તો ગુમાવતો જોવા મળ્યો છે. આ વખતે ફ્લાઈટમાં ટાયસન પોતાના વર્તનથી નારાજ થઈને પેસેન્જરને મારતો જોવા મળ્યો છે. આ મામલો 20 એપ્રિલનો કહેવાય છે.
આ મુસાફર ટાયસનને વારંવાર હેરાન કરતો હતો
માઈક ટાયસન જેટબ્લુ પ્લેનમાં સાન ફ્રાન્સિસ્કોથી ફ્લોરિડા જઈ રહ્યા હતા. આ દરમિયાન ફ્લાઇટમાં ટાયસનની પાછળની સીટ પર એક વ્યક્તિ બેઠો હતો, જે વારંવાર કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો હતો. કેટલીયવાર ના પાડવા છતાંય તે વ્યક્તિએ માઇક ટાયસન સાથે વાત કરવાનું બંધ કર્યું નહીં. ટાયસનને પહેલેથી જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તે ગુસ્સાને દબાઇને બેઠેલો જોવા મળ્યો. આ બધાનો વીડિયો એક વ્યક્તિ મોબાઇલથી બનાવી રહ્યો હતો.
સમજાવવા પર પણ ના સમજતા ટાયસને ધોઇ નાંખ્યો
જ્યારે તે મુસાફર વારંવાર ના પાડવા છતાં પણ સહમત ના થયો ત્યારે ટાયસનનો ગુસ્સો સાતમા આસમાને ગયો. તેણે તેના ચહેરા પર દનાદન મુક્કાઓ માર્યા. વીડિયોમાં જોવા મળ્યું હતું કે પેસેન્જરના ચહેરા પરથી લોહી પણ વહેવા લાગ્યું હતું. આ મામલે હજુ સુધી યુએસ પોલીસ કે માઈક ટાયસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
માઈક ટાયસન બળાત્કારના આરોપમાં જેલમાં જઇ આવ્યો છે
ટાયસનની છેલ્લી સત્તાવાર મેચ જૂન 2005માં રમાઈ હતી અને ભૂતપૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન 1996થી એક પણ ખિતાબ જીત્યો નથી. આની પહેલાં પણ ટાયસન અનેકવાર ગુસ્સે થતો જોવા મળ્યો છે.
એકવાર 1997માં એક મેચ દરમિયાન ટાયસને ગુસ્સામાં એક વિચિત્ર કામ કર્યું હતું. તેણે વિરોધી બોક્સર ઈવેન્ડર હોલીફિલ્ડનો કાન કાપી નાંખ્યો હતો. માઈક ટાયસન સામે ડ્રગ્સના સેવન અને બળાત્કારના આરોપો પણ સાબિત થયા છે. આ માટે તેને જેલ પણ જવું પડ્યું હતું.