સમુદ્રમાં જહાજો પર સતત હુમલા થઇ રહ્યા છે. દરમિયાન ભારતીય નેવીએ શનિવારે જણાવ્યું હતું કે અદનના અખાતમાં એમવી માર્લન લુઆંડા પર મિસાઇલ હુમલાના સમાચાર બાદ ભારતીય નેવી તરફથી મદદ પહોંચાડવામાં આવી હતી. આ એક વેપારી જહાજ હતું જેની પર 22 ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિક સવાર હતા. હુમલાનો ભોગ બનેલા જહાજે આઇએનએસ વિશાખાપટ્ટનમ પાસે મદદ માગી હતી. મિસાઇલ હુમલો થવાને કારણે જહાજમાં આગ લાગી ગઇ હતી. ભારતીય નેવી દ્વારા જણાવાયું હતું કે નેવી કોમર્શિયલ શિપ્સની સુરક્ષા અને સમુદ્રમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દૃઢ અને પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ હમાસ સંઘર્ષ વચ્ચે યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલા તેજ કરાવાને કારણે વધેલી ચિંતા વચ્ચે આ મિસાઇલ હુમલો થયો છે. ભારતીય નેવીના વડા એડમિરલ આર. હરિકુમારે આવી સમુદ્રી ઘટનાઓ સામે આકરી રીતે કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે.
US હૂતીને આતંકવાદી જાહેર કરશે
અમેરિકા યમનના હૂતી ગેરિલાઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની તૈયારીમાં છે. અમેરિકા તરફથી કરાયેલા હુમલા અને ચેતવણી છતાં રાતા સમુદ્રમાં હૂતીઓના આતંકી હુમલા યથાવત્ રહ્યા છે અને તેના કારણે જ અમેરિકા તેને ફરીવાર આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરવા જઇ રહ્યું છે. અમેરિકાએ હૂતીઓને ફેબ્રુઆરી 2021માં સ્પેશિયલી ડેઝિગ્નેટ ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાંથી હટાવ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં હૂતીઓને વૈશ્વિક આતંકવાદી યાદીમાં સામેલ કર્યુ હતું. બાઇડેન સરકારે તેને યાદીમાંથી હટાવ્યું હતું જેથી કરીને યમનના લોકોને જરૂરી મદદ સામગ્રી મોકલી શકાય.