ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાની ચાલ જોવા મળી છે તેમજ હજુ 2023નું વર્ષ પણ વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી વાળું રહેશે તેવા અહેવાલ છતાં મ્યૂચ્યુઅલ ફંડમાં રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. શેરમાર્કેટમાં ભલે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હોય પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં જાન્યુઆરી માસમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 9.3 ટકાની વૃદ્ધિ સાથે 23.4 લાખ કરોડની સપાટી પર પહોંચ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટેલ રોકાણકારોની સંપત્તિનું મૂલ્ય જાન્યુઆરી 2022માં રૂ. 21.40 લાખ કરોડ રહ્યું હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના અહેવાલમાં દર્શાવ્યું છે.
જોકે સંસ્થાકીય રોકાણમાં ઘટાડો જોવા મળ્યો છે. સંસ્થાકિય રોકાણ મૂલ્ય જાન્યુઆરી 2022માં રૂ. 17.49 લાખ કરોડથી નજીવું ઘટીને જાન્યુઆરી 2023માં રૂ. 17.42 લાખ કરોડ નોંધાયું છે. એસેટ બેઝમાં વધારો મોટાભાગે એડવાન્સ્ડ એસઆઇપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં રોકાણ વૃદ્ધિનું પરિણામ છે જે આ વર્ષે જાન્યુઆરીમાં સતત ચોથી વખત રૂ. 13,000 કરોડની સપાટીને જાળવી રાખ્યું છે. એમ્ફીએ રિટેલ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અહેવાલ અનુસાર SIP દ્વારા રોકાણ પ્રવાહ ડિસેમ્બરમાં રૂ. 13,573 કરોડથી વધીને જાન્યુઆરીમાં રૂ. 13,856 કરોડ થયો હતો. જે સતત ચોથો મહિનો રહ્યો હતો જ્યારે SIPમાં રોકાણ રૂ. 13,000 કરોડથી વધુ રહ્યું હતું. એકંદરે રોકાણ જાન્યુઆરી માં વધીને રૂ. 40.8 લાખ કરોડ રહ્યું છે.
ઇક્વિટી યોજનામાં 80% રોકાણ રિટેલ સેગમેન્ટમાંથી
વ્યક્તિગત રોકાણકારો મુખ્યત્વે ઇક્વિટી-લક્ષી યોજનાઓ ધરાવે છે જ્યારે સંસ્થાઓ લિક્વિડ, ડેટ-ઓરિએન્ટેડ સ્કીમ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) અને ફંડ ઓફ ફંડ્સ (FoFs) ધરાવે છે. હકિકતમાં વ્યક્તિગત રોકાણકારોની 80 ટકા રોકાણ ઇક્વિટી-લક્ષી યોજનાઓમાં રાખવામાં આવે છે. 59 ટકા સંસ્થાઓની સંપત્તિ લિક્વિડ, મની માર્કેટ સ્કીમ્સ અને ડેટ ઓરિએન્ટેડ સ્કીમ્સમાં રાખવામાં આવી છે.
Source : Divybhaskar