ભારતના સ્ટાર ભાલા ફેંક નીરજ ચોપરાએ ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કર્યું છે. નીરજ ચોપરાએ શુક્રવારે 89.08 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે લુસાને ડાયમંડ લીગની ફાઇનલમાં ટાઇટલ જીત્યું હતું. આ ખિતાબ જીતનાર નીરજ પ્રથમ ભારતીય ખેલાડી છે. આ ટાઈટલની જીત સાથે નીરજે 7 અને 8 સપ્ટેમ્બરે જ્યુરિકમાં યોજાનારી ડાયમંડ લીગની ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે.
એટલું જ નહીં તેમણે હંગેરીના બુડાપેસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 માટે પણ ક્વોલિફાય કર્યું છે. નીરજ ચોપરાએ તેના પ્રથમ પ્રયાસમાં 89.08 મીટર દૂર ભાલો ફેંકયો હતો, જે અન્ય ખેલાડીઓ માટે સ્પર્શવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારબાદ નીરજે તેના બીજા પ્રયાસમાં 85.18 મીટરનો થ્રો કર્યો, જ્યારે તેમણે ત્રીજો પ્રયાસ છોડ્યો. પછી ચોપરાના ચોથા પ્રયાસને ફાઉલ જાહેર કરવામાં આવ્યો અને તેમણે પાંચમા પ્રયાસથી દૂર રહેવાનું નક્કી કર્યું.
તેમના અંતિમ થ્રોમાં નીરજ ચોપડાએ 80.04 મીટરનો ટાર્ગેટ માર્યો હતો. લુસેન ડાયમંડ લીગમાં ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેકબ વેડલેજ 85.88 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને જ્યારે યુએસએના કર્ટિસ થોમ્પસન 83.72 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યા.
ડાયમંડ લીગ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય
89.08મીટર એ નીરજ ચોપરાની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ પ્રયાસ છે. નીરજની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ થ્રો વિશે વાત કરીએ તો તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટરનો થ્રો ફેંકયો છે. પાણીપતના રહેવાસી નીરજ ચોપરા ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. તેઓ ડાયમંડ લીગની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પણ છે. ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય હતા.
નીરજ ઈજાને કારણે CWG રમી શકયા નહોતા
નીરજ ચોપરાએ ગયા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.13 મીટરના થ્રો સાથે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. તે મેચ દરમિયાન નીરજને ઈજા થઈ હતી. ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા નીરજ ચોપરાને ચાર-પાંચ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી, ત્યારબાદ તેણે બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. નીરજ ઈજામાંથી બહાર આવવા માટે જર્મનીમાં પુનર્વસનના સમયગાળામાંથી પસાર થયા હતા, ત્યારબાદ તેમણે જોરદાર પુનરાગમન કર્યું છે.
લુસેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પહેલો પ્રયાસ - 89.08 મી
બીજો પ્રયાસ - 85.18 મીટર
3જી પ્રયાસ - ન કર્યું
ચોથો પ્રયાસ - ફાઉલ
પાંચમો પ્રયાસ - ન કર્યું
6ઠ્ઠો પ્રયાસ - 80.04 મી