બોલિવૂડ એક્ટર અક્ષયકુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' 3 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અંગે વિવાદ થઈ રહ્યો છે. અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ કહ્યું હતું કે પૃથ્વીરાજ ગુર્જર હતા અને તેમને ફિલ્મમાં એ જ રીતે બતાવવાના હતા. જો આમ થયું નથી તો તેઓ ફિલ્મ રિલીઝ થવા દેશે નહીં. આ પહેલાં રાજપૂતોનું પ્રતિનિધિત્વ કરનાર કરણી સેનાએ ફિલ્મનું ટાઇટલ બદલવાની માગણી કરી હતી. મહાસભાના રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ મનીષે દાવો કર્યો છે કે તેમના સંગઠને ફિલ્મના પ્રોડયૂસરની સાથે ગયા વર્ષે એક મુલાકાત કરી હતી, જેમાં તેમણે ફિલ્મના તથ્યો સુધારવાનું કહ્યું હતું અને ઐતિહાસિક પુરાવા પણ આપ્યા હતા.
ત્યારબાદ પ્રોડયૂસરે મહાસભાને આશ્વાસન આપ્યું હતું કે ફિલ્મમાં સમુદાય વિરુદ્ધ કંઈ જ ખોટું બતાવવામાં આવશે નહીં. કરણી સેના અંગે વાત કરતાં મનીષે કહ્યું હતું કે ફિલ્મનું ટાઇટલ બદલવું જોઈએ. 'પૃથ્વીરાજ'ના નામ પહેલાં મેકર્સે 'સમ્રાટ' શબ્દ ઉમેરવાની જરૂર છે. જો ફિલ્મનું ટાઇટલ બદલાશે નહીં તો તેઓ ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપશે.
યશરાજના CEOએ વાત માની
આ પહેલાં કરણી સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમણે યશરાજ ફિલ્મના CEO અક્ષય વિધાની સાથે મુલાકાત કરી હતી. ફિલ્મનું નામ બદલવા અંગે વાત કરી હતી અને તેમણે ટાઇટલ બદલવાનું વચન આપ્યું છે. મેકર્સે તેમની ડિમાન્ડ સ્વીકારી લીધી છે. જોકે, અત્યાર સુધી યશરાજ તથા ડિરેક્ટર તરફથી આ બાબતમાં કોઈ રિએક્શન આવ્યું નથી. આ સાથે જ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રો પાસે પણ ટાઇટલ બદલ્યું હોય તે અંગે કોઈ માહિતી નથી. કરણી સેનાએ કહ્યું હતું કે તેમણે પહેલાં જ રાજસ્થાનના એક્ઝિબિટર્સને આ અંગે ચેતવણી આપી છે. જો ફિલ્મના ટાઇટલમાં કોઈ ફેરફર નહીં થાય તો તેઓ રાજસ્થાનમાં આ ફિલ્મ બતાવવાની પરવાનગી આપશે નહીં. અક્ષયકુમારની આ ફિલ્મમાં માનુષી છિલ્લર, સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, માનવ વિજ લીડ રોલમાં છે.