વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.35%નો વધારો કર્યો છે. આ કારણે રેપો રેટ 5.90%થી વધીને 6.25% થઈ ગયો છે, એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનથી દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવો પડશે.
વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 5 ડિસેમ્બરથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરો સંબંધિત જાહેરાત કરી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં મળેલી બેઠકમાં વ્યાજદર 5.40%થી વધારીને 5.90% કરવામાં આવ્યો હતો.
5 વારમાં 2.25% વધારો
નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યાર બાદ RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો, પરંતુ આરબીઆઈએ 2 અને 3 મેના રોજ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટમાં 0.40%થી 4.40% સુધીનો વધારો કર્યો હતો.
રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી 6થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40%થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં એમાં 0.50%નો વધારો કરીને એને 5.40% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજદર વધીને 5.90% થઈ ગયો. હવે વ્યાજદર 6.25% પર પહોંચી ગયો છે.
RBI ગવર્નરના સંબોધનની મુખ્ય વાતો
0.35% દરમાં વધારો કેટલો તફાવત કરશે?
ધારો કે રોહિત નામની વ્યક્તિએ 20 વર્ષ માટે 7.55%ના નિશ્ચિત દરે 30 લાખની લોન લીધી છે. તેમનો EMI 24,260 રૂપિયા છે. 20 વર્ષમાં તેને આ દરે 28,22,304 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે, એટલે કે તેણે 30 લાખ રૂપિયાના બદલે કુલ 58,22,304 રૂપિયા ચૂકવવા પડશે.
રોહિતે લોન લીધા બાદ RBIએ રેપો રેટમાં 0.35%નો વધારો કર્યો. આ કારણોસર બેંકો પણ વ્યાજદરમાં 0.35% વધારો કરે છે. હવે જ્યારે રોહિતનો એક મિત્ર લોન લેવા માટે એ જ બેંકનો સંપર્ક કરે છે, ત્યારે બેંક તેને વ્યાજનો દર 7.55% ને બદલે 7.90% કહે છે.
રોહિતનો મિત્ર 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન પણ લે છે, પરંતુ તેનો EMI 24,907 રૂપિયા થઈ જાય છે, એટલે કે રોહિતના EMI કરતાં 647 રૂપિયા વધુ. જેને કારણે રોહિતના મિત્રને 20 વર્ષમાં કુલ 59,77,634 રૂપિયા ચૂકવવા પડશે. આ રોહિત કરતાં 1,55,330 વધુ છે.
શું પહેલેથી ચાલી રહેલી લોન પર પણ EMI વધશે?
લોનના વ્યાજદરો બે પ્રકારના હોય છે, ફિક્સ્ડ અને ફ્લોટર. ફિક્સ્ડમાં, તમારા લોનનો વ્યાજદર શરૂઆતથી અંત સુધી સમાન રહે છે. આના પર રેપો રેટમાં ફેરફારથી કોઈ ફરક પડતો નથી. તે જ સમયે ફ્લોટરમાં રેપો રેટમાં ફેરફાર તમારી લોનના વ્યાજદરને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં જો તમે ફ્લોટર વ્યાજદર પર લોન લીધી છે, તો EMI પણ વધશે.
આરબીઆઈએ વધારાની બેઠક પણ યોજી હતી
પાછલા દિવસોમાં, એટલે કે નવેમ્બરમાં આરબીઆઈએ વધારાની નાણાકીય નીતિની બેઠક પણ યોજી હતી. હકીકતમાં 9 મહિના સુધી ફુગાવાનો દર RBIની 2%-6%ની રેન્જની બહાર રહ્યો. આ કારણસર આરબીઆઈએ એને કારણે અને લીધેલાં પગલાં સાથે સંબંધિત રિપોર્ટ સરકારને સોંપવો પડ્યો.
RBIની બેઠક ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. MPCના સાથી સભ્યો ડૉ. માઇકલ દેવવ્રત પાત્રા, ડૉ. રાજીવ રંજન, ડૉ. શશાંક ભીડે, ડૉ. આશિમા ગોયલ અને પ્રો. જયંત આર વર્માએ હાજરી આપી હતી.
RBI રેપો રેટમાં કેમ વધારો કે ઘટાડો કરે છે?
RBI પાસે રેપો રેટના સ્વરૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે ફુગાવો ઘણો ઊંચો હોય છે, ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને આરબીઆઈ પાસેથી જે લોન મળશે એ મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. એનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટશે. જો નાણાંનો પ્રવાહ ઓછો હશે તો માગ ઘટશે અને ફુગાવો ઘટશે.
એ જ રીતે જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે પુનઃપ્રાપ્તિ માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર છે. આવી સ્થિતિમાં RBI રેપો રેટમાં ઘટાડો કરે છે. આને કારણે બેંકો માટે આરબીઆઈ તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી, ત્યારે માગમાં ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં આરબીઆઈએ વ્યાજદરોમાં ઘટાડો કરીને અર્થવ્યવસ્થામાં નાણાંનો પ્રવાહ વધાર્યો છે.
જ્યારે રિવર્સ રેપો રેટ વધે કે ઘટે ત્યારે શું થાય છે?
રિવર્સ રેપો રેટ એ દર છે, જેના પર આરબીઆઈ પૈસા રાખવા માટે બેંકોને વ્યાજ ચૂકવે છે. જ્યારે આરબીઆઈને બજારમાંથી તરલતા ઘટાડવી પડે છે ત્યારે તે રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. બેંકો આરબીઆઈ પાસે તેમના હોલ્ડિંગ માટે વ્યાજ મેળવીને તેનો લાભ લે છે. અર્થતંત્રમાં ઊંચા ફુગાવા દરમિયાન આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. આનાથી ગ્રાહકોને લોન આપવા માટે બેંકો પાસે ભંડોળ ઓછું થાય છે.