હાઇપરસોનિક મિસાઇલ સેતાન-2 સરમાટ મિસાઇલને ફિનલેન્ડ પહોંચતા 10 અને બ્રિટન પહોંચતાં માત્ર 200 સેકન્ડ લાગશે : રશિયન અધિકારીની ચીમકી .
ફિનલેન્ડે નાટો સંગઠનમાં જોડાવાના સંકેત આપતાં જ રશિયા રઘવાયં થઈ ગયું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના એક વરિષ્ઠ સહયોગીએ તે પછી બ્રિટન પર પરમાણુ આયુધ ઝીંકી દેવાની ચેતવણી આપતાં જણાવ્યું હતું કે હાઇપરસોનિક સેતાન-2 સરમાટ મિસાઇલને બ્રિટન પહોંચતા માત્ર ત્રણ જ મિનિટ લાગશે. રશિયન સંરક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એલેક્સે ઝુરાવલિયોવેએ આ પરમાણુ મિસાઇલની મદદથી માત્ર 10 જ સેકન્ડમાં ફિનલેન્ડને ખતમ કરી દેવાની પણ ચીમકી આપી દીધી હતી. રશિયાની આ પ્રતિક્રિયામાં યૂક્રેન પર આક્રમણ કરી દીધા પછી રશિયાને હાથ લાગેલી હતાશાના દર્શન થાય છે. આ દરમિયાન રશિયાએ શનિવારે સવારથી જ ફિનલેન્ડને તેના દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠો સ્થગિત કરી દીધો છે. ફિનલેન્ડ તેની જરૂરિયાતની 10 ટકા વીજળી રશિયા પાસેથી ખરીદ કરતું આવ્યું છે. રશિયાની રાજ્ય સંચાલિત વીજ કંપનીને ફિનલેન્ડ તરફથી બિલની ચુકવણી ના થતાં જ રશિયાએ વીજ પુરવઠો સસ્પેન્ડ કરી દીધો છે. આમ તો ફિનલેન્ડ રશિયા પાસેથી વીજ આયાત ના કરે તો પણ તેની પાસે તે પૂરતો પુરવઠો ધરાવે છે. ઝુરાવલિયોવેએ ચેતવણી આપી હતી કે અમેરિકા જો અમારા રાજ્યને ભયમાં મૂકશે તો તમારા માટે સેતાન-2 સરમાટ મિસાઇલ તૈયાર જ છે. તમે એવું વિચારતા હોવ કે રશિયાનું અસ્તિત્વ જ ના હોવું જોઇએ તો તમારા માટે પરમાણુ શસ્ત્રો તૈયાર છે. ફિનલેન્ડ નજીક પરમાણુ શસ્ત્રો તૈનાત થશે કે કેમ ? તે મુજબના પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે,' તેની શી જરૂર છે? સાઇબીરિયામાંથી મિસાઇલ ઝીંકવામાં આવે તો પણ તે મિસાઇલ બ્રિટન પહોંચી શકે તેમ છે.'
યૂક્રેન યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તેની કોઈ ધારણા કરી શકે તેમ નથી : ઝેલેન્સ્કી
રશિયા-યૂક્રેન યુદ્ધ 12મા સપ્તાહમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે તે અરસામાં યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ શુક્રવારે રાતે જણાવ્યું હતું કે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તેની કોઈ ધારણા કરી શકે તેમ નથી. ઝેલેન્સ્કીએ એમ પણ જણાવ્યું હતું કે યૂક્રેનના સૈન્યે રશિયન સૈન્ય પાસેથી જે ગામડા અને કસબા પરત આંચકી લીધા છે તેમાં વીજ પુરવઠો , ટેલિફોન તેમ જ સામાજિક સેવા પુનઃ બહાલ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે.
યૂક્રેન યુદ્ધમાં પુતિનનો આત્મવિશ્વાસ ડગી રહ્યો છે : રશિયાના પૂર્વ વડાપ્રધાન
રશિયાના પૂર્વ વડાપ્રધાન મિખાઇલ કાસ્યાનોવે જણાવ્યું છે કે યૂક્રેન યુદ્ધ સંબંધમાં પુતિનનો આત્મવિશ્વાસ ડગી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે રશિયન પ્રમુખને કદાચ તેમના જનરલ્સે યુદ્ધની સ્થિતિ વિશે ગેરમાર્ગે દોર્યા છે. પુતિનના પ્રમુખ તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન કાસ્યાનોવે વર્ષ 2000થી 2004 સુધી વડાપ્રધાનપદ સંભાળ્યું હતું. તેમની હકાલપટ્ટી થયા પછી કાસ્યાનોવે વિરોધપક્ષની રચના કરીને વર્ષ 2008માં પ્રમુખપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું.
પુતિનને સત્તા પરથી દૂર કરવાના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે : યૂક્રેન ગુપ્તચર એકમના વડા
યૂક્રેનના ગુપ્તચર એકમના વડા મેજર જનરલ કિરિલો બુદાનોવે દાવો કર્યો છે કે પુતિન સામે બળવો કરીને તેમને સત્તાથી દૂર કરવાના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. આ વર્ષના અંત સુધીમાં જ રશિયા યુદ્ધ હારી જશે. તેમણે જણાવ્યું હતું કે આગળ ઉપર આ ઘટનાક્રમમાં પુતિન સત્તા પરથી દૂર થયાના સ્વરૂપમાં મોટો વળાંક આવશે. ઓગસ્ટના બીજા પખવાડિયામાં બધું સપાટી પર આવી જશે. રશિયામાં નેતૃત્વ પરિવર્તનના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. એવા સમાચાર પણ વહેતા થયા છે કે પુતિન કેન્સરથી પીડાઈ રહ્યા છે અને ખૂબ બીમાર છે. હાલમાં તેઓ સક્રિય રીતે કોઈપણ કામમાં પ્રવૃત્ત થઈ શકે તેમ નથી. દેશને સશક્ત નેતાની જરૂર જણાઈ રહી છે તેથી આગામી સમયમાં તેની પસંદગી શરૂ કરવામાં આવશે.