એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાનો 23 રને ભવ્ય વિજય થયો છે. તો આ સાથે શ્રીલંકાએ બંને દેશો વચ્ચે રમાયેલી અત્યાર સુધીમાં 22 T20 ઈન્ટરનેશનલ મેચમાં 10 મેચ જીતી લીધી છે. જ્યારે શ્રીલંકાએ આ છઠ્ઠો એશિયા કપ જીતી લીધો છે. આ મેચમાં પાકિસ્તાનને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ પ્રમોદ મધુશને ત્રણ અને ધનંજય ડીસિલ્વા ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ શ્રીલંકાએ છ વિકેટે 170 રન કર્યા હતા, જેના જવાબમાં 147 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી રાજપક્સેએ તોફાની 45 બોલમાં 71 રન ફટકાર્યા હતા. તો પાકિસ્તાન તરફથી સૌથી વધુ મહોમદ રિઝવાને 49 બોલમાં 55 રન કર્યા છે. તો અહેમદે 31 બોલમાં 32 રન કર્યા છે. દરમિયાન ભાનુકા રાજપક્ષેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
શ્રીલંકાએ 6 વિકેટે 170 રન કર્યા
પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં રાજપક્સેના તોફાની 71 રનની મદદથી 6 વિકેટના ભોગે 170 રન નોંધાવ્યા હતા. એશિયા કપ જીતવા માટે પાકિસ્તાનને 171 રનનું ટાર્ગેટ આપ્યું હતું. શ્રીલંકા હસરંગા અને રાજપક્સેની અર્ધસદીની ઝડપી ભાગીદારીની મદદથી આ સ્કોર સુધી પહોંચી શક્યું હતું. શ્રીલંકાની શરૂઆતની વિકેટ્સ ટપોટપ પડી ગઇ હતી. પાકિસ્તાન તરફથી હેરિસ રઉફે ચાર ઓવરમાં ફક્ત 29 રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને જીત્યો હતો ટોસ
આ અગાઉ, એશિયા કપના ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં દુબઈમા ટોસ જીતનારી દરેક ટીમે પહેલાં બોલિંગ પસંદ કરી છે અને વિજય મેળવ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટીમમાં બે બદલાવ કર્યા હતા. શાદાબ ખાન અને નસીમ શાહને ટીમમાં પરત બોલાવાયા હતો. ઉસ્માન કાદિર અને હસન અલીને ટીમની બહાર કરાયા હતા. બીજી તરફ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ બદલાવ કર્યો નથી.
હસરંગા-રાજપક્સે વચ્ચે 56 રનની ભાગીદારી
શ્રીલંકાએ એક તબક્કે 8.5 ઓવરમાં 58 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પણ પછી હસરંગા અને રાજપક્સેએ સંગિન ભાગીદારી નોંધાવી ટીમને નોંધપાત્ર સ્કોર સુધી પહોંચાડવા મદદ કરી હતી. હસરંગા 116 રનના સ્કોર પર હારિસની બોલિંગમાં રિઝવાનના હાથે ઝીલાયો ત્યારે તેણે 21 બોલમાં 36 રન નોંધાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓ વચ્ચે 56 રનની મહત્ત્વની ભાગીદારી નોંધાઇ હતી.
શ્રીલંકાએ 58 રનમાં પાંચ વિકેટ ગુમાવી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને પડેલી શ્રીલંકાની ટીમની શરૂઆત એકદમ નબળી રહી હતી. કુસલ મેન્ડિસ શૂન્ય રને નસિમ શાહનો પ્રથમ શિકાર બન્યો હતો. નસિમે તેને બોલ્ડ કર્યો હતો ત્યારે શ્રીલંકાનો સ્કોર બે રન હતો. શ્રીલંકાની ચોથી વિકેટ 53 રન પર ધનંજયના રૂપમાં પડી હતી અને પાંચમી વિકેટ 58 રન પર દાસુનની પડી હતી. તે પછી રાજપક્સે અને હસરંગાએ ક્રિઝ પર ટકીને ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો.
પાકિસ્તાન-શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, ઇફ્તેખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, આસ���ફ અલી, નસિમ શાહ, હારિસ રઉફ અને મોહમ્મદ હસનૈન.
શ્રીલંકાઃ દાસુન શનાકા(કેપ્ટન), કુસલ મેન્ડિસ, પાથુમ નિસાંકા, દનુષ્કા ગુણથિલકા, ધનંજય ડીસિલ્વા, ભાનુકા રાજપક્સે, વનિંદુ હસરંગા, ચમિકા કરુણારત્ને, પ્રમોદ મધુશન, મહિશ થીક્ષણા અને દિલશાન મધુશંકા.
બંને ટીમનો પરસ્પર રેકોર્ડ આવો છે
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાએ 9 મેચ જીતી છે અને પાકિસ્તાને 13 મેચ જીતી છે. એશિયા કપની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમ 11 વખત જીતી હતી. તો પાકિસ્તાન માત્ર પાંચ મેચ જીત્યું હતું. દુબઈમાં જોકે ટોસની ભૂમિકા મહત્વની રહી છે.