છેલ્લા થોડાં દિવસથી શરૂ થયેલા સાળંગપુરના કિંગ ઓફ સાળંગપુરના વિવાદ પર ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે વડતાલના સ્વામિનારાયણ મંદિરના સાધુઓ તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, આવી નાની મોટી વાતનો જવાબ કોર્ટમાં મળશે. તેમજ સ્વામિનારાયણ એ ભગવાન છે.
આ મામલે છેલ્લા બે દિવસથી સનાતન ધર્મ સાથે સંકળાયેલા વિવિધ સાધુઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંબંધિત સાધુઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌત્તમ સ્વામીનું નિવેદનમાં જણાવ્યું કે, સ્વામીનારાયણ એ ભગવાન છે. જે કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો સંતો કરી શકે છે.
જેની સાથે જ સ્વામિનારાયણના નૌતમ સ્વામીએ જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણ કલયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. જે કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો સંતો કરી શકે છે. તેમજ સત્સંગીઓએ ડી મોરલાઈઝ થવાની જરૂર નથી. આમાં કોઈને પણ નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
શું છે સમગ્ર ઘટના
સાળંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા દેશભરનાં સનાતન હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મુદ્દે હવે રાજકોટમાં વિવિધ સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને સમગ્ર મામલે તારીખ 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળા દરમિયાન વિવાદાસ્પદ પ્રતિમાઓ હટાવી લેવામાં નહીં આવે તો સાળંગપુરમાં જઈને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વકીલે મંદિરોને નોટિસ ફટકારી
આ મામલે રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં રામ ભક્ત હનુમાનજીના વિવાદિત મૂર્તિ પોસ્ટર તેમજ યુટ્યુબમાં ભગવાન શંકર તથા માતા પાર્વતીના અપમાનજનક એપિસોડ દ્વારા હિન્દુ સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચા સહિતનાને રાજકોટના એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.