આજે દેશભરમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકો, તેમના કથનો યુવાનોને પ્રેરણા આપે છે અને આ કારણોસર 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વામી વિવેકાનંદ શરૂઆતના દિવસોમાં ખુબ જ ક્રિકેટ રમતા હતા.
જ્યારે 80ના દાયકામાં સ્વામી વિવેકાનંદ માત્ર નરેન્દ્રનાથ દત્ત તરીકે ઓળખાતા હતા. ત્યારે તેમણે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમતા સાત વિકેટ ઝડપી હતી. આ મેચ વર્ષ 1884માં કોલકાતા ક્રિકેટ ક્લબ અને ટાઉન ક્લબ વચ્ચે રમાઈ હતી. ત્યારે નરેન્દ્રનાથ દત્ત ટાઉન ક્લબ માટે રમતા હતા.
આ મેચનો ઉલ્લેખ કોલકાતા, ઈડન ગાર્ડન્સ (Eden Gardens: Legend & Romance) સંબંધિત કેટલાક પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. જોકે નરેન્દ્રનાથ દત્તે પાછળથી ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી ન હતી અને બાદમાં તેઓ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાઈને ઈતિહાસમાં અમર થઈ ગયા હતા.
ઈડન ગાર્ડન્સને ભારતમાં ક્રિકેટનું મક્કા માનવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન તેને બ્રિટનની બહાર સૌથી મોટો ક્રિકેટ બેઝ માનવામાં આવતો હતો. બ્રિટિશ રાજ દરમિયાન જ અહીં કોલકાતા ક્રિકેટ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં બંગાળી સમુદાયે ત્યાં ટાઉન ક્લબ શરૂ કરી હતી.
ખાસ વાત એ પણ છે કે જેમણે ટાઉન ક્લબની શરૂઆત કરી તેઓ સરદારંજન રે હતા. જેઓ ભારતના પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર સત્યજીત રેના દાદા હતા. સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ પણ હાલમાં પણ યુવાનોમાં જોશ ભરે છે પરંતુ ક્રિકેટ સાથે સંકળાયેલો આ કિસ્સો વારંવાર લોકોની સામે આવે છે. હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ મોહમ્મદ શમી પણ કોલકાતાના ટાઉન ક્લબથી રમી ચૂક્યા છે.