ટેક્નોલોજીના યુગમાં પુરૂષ સમોવડી મહિલાઓ બની રહી છે. કોર્પોરેટ સેક્ટર, આંત્રપ્રેન્યોર કે કોઇપણ સેક્ટરના વેપારમાં મહિલાઓ ઝડપભેર આગળ વધવા લાગી છે. વેપાર મુદ્દે જેન્ડરગેપ સતત ઘટવા લાગ્યો છે. 2021ના વર્ષમાં મહિલા ઉદ્યોગસાહસિકમાં 14 ટકાની વૃદ્દિ થઇ હોવાનું ‘ઇન્ડિયન ડીટીસી બ્રાન્ડ્સ ઇકોમર્સ આઉટલુક 2022’ના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2021માં 20 લાખથી વધારે નાનાં વ્યવસાયોના અનુભવો પર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ઓનલાઇન વ્યવસાયો માટે સંભાવના 2022 માટે આશાસ્પદ છે. હાલના ડિજિટલ ઉદ્યોગસાહસિકો અત્યારે સૌથી વધુ ગતિશીલ અને જાગૃત છે. સરકારી અને ખાનગી ક્ષેત્રો પાસેથી ઉચિત ટૂલ્સ અને સપોર્ટ મળવાની સાથે ભારત રેકોર્ડ અને ઊંચી વ્યવસાયિક વૃદ્ધિ કરવાના માર્ગે અગ્રેસર છે.
આઈટી ઈન્ડસ્ટ્રીમાં 18 લાખ મહિલા કર્મચારી
દેશની આઈટી ઈન્ડસ્ટ્રીમાં હાલ 18 લાખ મહિલા કર્મચારી છે. ભારતીય આઈટી ઈન્ડસ્ટ્રીમાં IT સેવાઓ તેમજ બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) અને કેપ્ટિવ સેવાઓ સહિત તમામ પેટા-ક્ષેત્રોમાં 10%થી વધુ વૃદ્ધિ જોવા મળી છે. જે દાયકામાં સૌથી વધુ છે.
મહિલાઓ માટે રોજગારલક્ષી શિક્ષણ પદ્ધતિ કુશળતા વધારશે
આ વર્ષે પ્રથમ છ માસમાં 30 ટકા કંપનીઓ ભરતી પ્રક્રિયા માટે પોઝિટીવ સેન્ટિમેન્ટ ધરાવે છે. જે કોવિડમાંથી ઝડપી આર્થિક રિકવરીનો સંકેત આપે છે. યુનિવર્સિટીઓ રોજગારલક્ષી શિક્ષણ પર ફોકસ કરી રહી છે. જે આગામી સમયમાં પ્રેક્ટિકલ નોલેજ સાથે વધુ કુશળ કર્મચારીઓનું સર્જન કરશે. કંપનીઓ વધુને વધુ ફ્રેશર્સની ભરતી કરશે.
2022: પારંપારિકના બદલે એડવાન્સ સ્કિલ્સ પર ભાર
2022ના વર્ષમાં મોટા ભાગના તમામ સેક્ટર્સ ફ્રેશર્સને પ્રાધાન્ય આપશે એટલું જ નહીં પારંપારિકના બદલે આધુનિક અર્થાત એડવાન્સ સ્કિલ્સ ધરાવતા એનાલીટિક્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, સાયબર સિક્યોરિટી, એઆર/વીઆર અને કન્ટેન્ટ રાઈટિંગ ઉપરાંત ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, એઆઈ એન્જિનીયર, ટેક્નિકલ રાઇટર, ફૂલ સ્ટેક ડેવલપર અને સપ્લાય ચેઇન એનાલિસ્ટની માગ સૌથી વધુ રહેશે.