જે સમયે લોકો રોમેન્ટિક સંગીત સાંભળવાનું પસંદ કરતા હતા, એ સમયે બપ્પી’દા એ બોલિવૂડમાં ડિસ્કો ડાન્સને ઇન્ટ્રોડયૂસ કરાવ્યો. બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડમાં આવ્યા અને 80ના દાયકા સુધી છવાઇ ગયા. બપ્પી લહેરીએ આશરે 5000થી વધારે ગીતો ગાયાં છે. ગીતો ગાવા ઉપરાંત તેમણે ડબિંગ કલાકારના રૂપમાં પણ કામ કર્યું છે
બપ્પી લહેરી એક ભારતીય ગાયક, સંગીતકાર, અભિનેતા અને રેકોર્ડ નિર્માતા છે. બપ્પી લહેરી પોતાની અનોખી રચના માટે જાણીતા છે. ડિસ્કો કિંગ અને બપ્પી’દા જેવા હુલામણા નામથી તેઓ ઓળખાય છે. બોલિવૂડમાં રોક અને ડિસ્કોની એન્ટ્રી કરી બપ્પી લહેરીએ પોતાની ધૂન પર ચાહકોને ઝૂમતા કર્યાં છે. બપ્પીએ અનેક નાનીમોટી ફિલ્મોમાં કામ કર્યું છે. 80ના દાયકામાં બોલિવૂડને યાદગાર ગીતોની ભેટ આપીને બપ્પી’દાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
જન્મ અને ઉછેર
બપ્પી લહેરીનું સાચું નામ અલોકેશ લહેરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952માં જલપાઈગુડી, પિૃમ બંગાળમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લહેરી અને માતાનું નામ બન્સારી લહેરી છે. માતા અને પિતા બંને ગાયક-ગાયિકા હતાં. તેથી તેમનું બાળપણ સંગીતના વાતાવરણ વચ્ચે પસાર થયું. 3 વર્ષની ઉંમરમાં જ બપ્પી લહેરીએ તબલાં વગાડવાનું શરૂ કર્યું હતું.
બપ્પી લહેરીને પોતાને પણ સંગીતમાં રસ હતો, તેથી તેમણે ગાયક બનવાનું નક્કી કર્યું અને સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પિયાનો, ડ્રમ, ગિટાર અને ઢોલ જેવાં વાજિંત્રો વગાડતાં પણ શીખ્યા. 17 વર્ષની ઉંમરે સંગીતકાર બનવાનું સપનું દૃઢ બન્યું અને તેમની પ્રેરણા આર ડી. બર્મન બન્યા. બપ્પી ટીનએજમાં આર ડી. બર્મનનાં ગીતો સાંભળતા હતા અને રિયાજ કરતાં હતા.
જે સમયે લોકો રોમેન્ટિક સંગીત સાંભળવાનું પસંદ કરતા હતા, એ સમયે બપ્પી’દા એ બોલિવૂડમાં ડિસ્કો ડાન્સને ઇન્ટ્રોડયૂસ કરાવ્યો. તેમને પહેલી તક 1972માં એક બંગાળી ફિલ્મ ‘દાદૂ’ થી મળી. એ પછી 1973માં પહેલી હિન્દી ફિલ્મ ‘નન્હા શિકારી’માં સંગીત આપ્યું હતું. આ દ્વારા તેમણે બોલિવૂડમાં પગપેસારો કર્યો હતો. તેમને ખરી સફળતા 1975માં તાહિર હુસેનની હિન્દી ફિલ્મ ‘ઝખ્મી’ થકી મળી હતી. આ ફિલ્મમાં બપ્પી લહેરીએ રફી અને કિશોર કુમાર સાથે ગીત ગાયું હતું.
‘ઝખ્મી’ ફિલ્મે તેમને સફળતાનાં સોપાનો સર કરાવ્યાં. એ પછી એક પછી એક ફિલ્મોમાં સંગીત આપીને બપ્પી’દા પ્રસિદ્ધિ મેળવતા ગયા. કિશોર કુમાર તેમના મામા હતા અને બપ્પી’દાને સંગીતના ક્ષેત્રમાં લાવવાનો શ્રોય તેમને મળે છે. બપ્પી લહેરી જ્યારે 19 વર્ષના હતા ત્યારે કોલકાતાથી મુંબઈ આવી ગયા હતા. 1977માં બપ્પી’દાએ ચિત્રાણી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાનો છે. દીકરી રેમા જે ગાયિકા છે અને દીકરો બાપ્પા સંગીત નિર્દેશક છે.
બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડમાં આવ્યા અને 80ના દાયકા સુધી છવાઇ ગયા. 90નો દાયકો એમના માટે કંઈ ખાસ નથી રહ્યો, પરંતુ તેમણે કામ કરવાનું ન છોડયું. 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ડર્ટી પિક્ચરમાં ઉ…લા…લા…ઉ…લાલા…ગીત ગાયું હતું તે સુપરહિટ રહ્યું હતું.
છ દાયકા વટાવી ચૂકેલા બપ્પી લહેરી ભારતીય સંગીતજગતના એક એવા સંગીતકાર છે, જેમને માઇકલ જેક્શને પોતાના પહેલા શૉમાં બોલાવ્યા હતા. 1996માં આ લાઇવ શૉ મુંબઈમાં થયો હતો. હિન્દી સંગીતમાં પોપનું મિશ્રાણ લાવવાનો શ્રોય એમને જાય છે. એના લીધે શરૂઆતમાં તેમનો વિરોધ પણ થયો હતો. બપ્પી લહેરી રાજકારણમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. 2014માં બપ્પી’દા બીજેપીની ટિકિટ લઈ ચૂંટણી લડયા હતા પરંતુ તેમને પરાજયનો સામનો કરવો પડયો હતો.
કહેવાય છે કે બપ્પી’દાએ 1986માં એક ���ર્ષમાં આશરે 33 ફિલ્મોમાં 180 ગીતો ગાયાં હતાં. તેમનો આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. તેમને ફિલ્મફેર દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત અનેક એવોર્ડથી એમનું સન્માન કરવામાં આવ્યું છે. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, બંગાળી અને ઉડિયા સિવાય અન્ય ભાષાઓમાં પણ ગીતોની રચના કરી છે. બપ્પી લહેરીએ આશરે 5000થી વધારે ગીતો ગાયાં છે. ગીતો ગાવા ઉપરાંત તેમણે ડબિંગ કલાકારના રૂપમાં પણ કામ કર્યું છે.
2016માં એનિમેટેડ ફિલ્મ, મોઆનામાં તમાતોના પાત્ર માટે હિન્દીમાં ડબિંગ કર્યું હતું. ડબિંગ કલાકાર તરીકે તેમને એક અન્ય ફિલ્મ કિંગ્સમેન 2ઃ ધ ગોલ્ડન સર્કલ 2017 છે. એમાં તેમણે એલ્ટન જોનના પાત્ર માટે હિન્દીમાં ડબિંગ કર્યું હતું. અનેક સંગીત રિયાલિટી શૉમાં જજ તરીકેની કામગીરી કરવા ઉપરાંત બપ્પી’દાએ 2008માં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ માટે આઇપીએલમાં સંગીત આપ્યું હતું.
સોનાથી લદાયેલાં રહેવા પાછળનું રહસ્ય ખોલતાં બપ્પી લહેરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હોલિવૂડમાં એક પ્રસિદ્ધ ગાયક એલ્વિસ પ્રેસ્લી સોનાનું લૉકેટ પહેરતા હતા. હું પ્રેસ્લીનો બહુ મોટો અનુયાયી હતો. એમને જોઈને હું વિચારતો કે, જીવનમાં મને ક્યારેક સફળતા મળશે તો હું મારી એક અલગ છબી ઊભી કરીશ. સૌથી પહેલાં સોનાની ચેઇન મારી મમ્મીએ મને ભેટમાં આપી અને પછી પત્નીએ. સોનું મારા માટે લકી છે અને મને એ પહેરવું ગમે છે તેથી હું સોનું પહેરવાનું પસંદ કરું છું. તમને જાણીને નવાઈ લાગશે કે તે આશરે દોઢ કિલોગ્રામ સોનું પહેરીને બપ્પી’દા ફરે છે. કોઇ સોનું ચોરી ન લે એટલે તેમણે બોડીગાર્ડ રાખ્યા છે.
ક્રિકેટ અને ફૂટબોલ જોવાનો શોખ ધરાવતાં બપ્પી લહેરી અમિતાભ બચ્ચન અને સલમાન ખાનના બહુ મોટા ફૅન છે. તેમની મનગમતી અભિનેત્રી માધુરી દીક્ષિત છે. તેમને કિશોર કુમાર અને એ.આર. રહેમાનનો અવાજ બહુ ગમે છે.