ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું હતુ કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ઇચ્છતું નથી. પરંતુ જો પાકિસ્તાન કંઈ કરવાની હિંમત કરશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. કડક કાર્યવાહી પણ હાથ ધરાશે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે એવો બદલો લીધો છે કે તે વર્ષો સુધી ભૂલી શકશે નહીં.
9 આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત
ભારતની મોડી રાતની કાર્યવાહી બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી અને એનએસએ વાંગ યી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ભારત કોઇપણ પ્રકારની કાર્યવાહી કે યુદ્ધ ઇચ્છતું નથી. પરંતુ જો પાકિસ્તાન તેની નાપાક. હરકતો બંધ નહી કરે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અગાઉ, ભારતની કાર્યવાહી બાદ, અજિત ડોભાલે યુએસ એનએસએ અને વિદેશ પ્રધાન માર્કો રુબિયો સાથે વાત કરી હતી અને તેમને ભારતની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. અમેરિકામાં ભારતીય દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે ભારતની કાર્યવાહી કેન્દ્રિત અને સચોટ રહી છે. પાકિસ્તાનના કોઈ નાગરિક, આર્થિક કે લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ફક્ત જાણીતા આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડોભાલે બ્રિટન, સાઉદી અરેબિયા, જાપાનના તેમના સમકક્ષો સાથે વાત કરી હતી અને તેમને ભારતની આ કાર્યવાહી વિશે માહિતી આપી હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં આતંક ફેલાવનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
ચીને પાકિસ્તાનને સંયમ રાખવાની સલાહ આપી
તે જ સમયે, પાકિસ્તાન પર ભારતના સર્ચ સ્ટ્રાઈક પછી, ચીને પાકિસ્તાનનો ત્યાગ કર્યો છે. હંમેશા પાકિસ્તાનને મદદ કરવાની વાત કરતા ચીને પાકિસ્તાનને સંયમ રાખવાની સલાહ આપી છે. ચીને કહ્યું છે કે પાકિસ્તાને એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન પાડોશી દેશો છે. ભવિષ્યમાં પણ બંને પાડોશી રહેશે. આવી સ્થિતિમાં, બંનેએ શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. શાંતિ માટે વ્યાપક હિતમાં કામ કરવાની જરૂર છે.
પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક
"ઓપરેશન સિંદૂર" હેઠળ ભારતના હવાઈ હુમલા પછી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક ટોચના નેતૃત્વ હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન, ભારતના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે જ નહીં, પરંતુ જનતાના ગુસ્સા અને વિશ્વાસના અભાવ પર પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં ભારતીય હુમલા પછીની પરિસ્થિતિ અંગે સેનાએ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.