પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક એવું ગામ કે જે ગામમાં તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ ગામ છે. ગામની અંદર લોકોને મળતી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. જે ગામ આજે એક આદર્શ ગામ તરીકે સમગ્ર જિલ્લામાં ઓળખાય છે. જાણી લો કયું છે આ ગામ અને શું છે આ ગામની અંદરની સુવિધાઓ.
આ વ્યક્તિએ 2.50 કરોડના ખર્ચે લાવી ગામમાં તમામ સુવિધાઓ
ચાણસ્મા તાલુકાનું રૂપપુર ગામ આજે એક આદર્શ ગામ તરીકે ઓળખાય છે. રૂપપુર ગામના વતની પ્રહલાદભાઈ સિવરામદાસ પટેલે મારુ ગામ એક આદર્શ ગામનું એક સ્વપ્ન લઈ ગામની અંદર આશરે 2.50 કરોડ ના ખર્ચે ગામની કાયા પલટ કરવાનો કર્યો. નિરાઘર પ્રહલાદ ભાઈ વ્યવસાયે એક સારા બિલ્ડર છે. મૂળ રૂપપુર ગામના અને હાલ અમદાવાદ ખાતે પીએસપી પ્રોજેકટ નામની કંપની ધરાવે છે અને ગામનું રુણ અદા કરવા માટે તેમને પોતાના ગામનું એક આગવું નામ બને તે હેતુથી ગામની કાયા પલટ કરી દીધી. આજે આ ગામના લોકોને જે પણ જીવન જરૂરિયાત ચીજવસ્તુ જોઈએ તે તમામ પ્રકારની સુવિધાઓ તેઓએ ગામમાંજ ઉભી કરી છે.
જાણો ગામમાં કઈ ખાસ સુવિધાઓ મળે છે
રૂપપુર ગામ આજે એક આદર્શ ગામ તરીકે ઓળખાય છે. ગામની અંદર પ્રવેશ ગેટથી લઈ સમગ્ર ગામની અંદર ખૂણે ખૂણે પેપર બ્લોક નાખવામાં આવેલ છે, તેમજ આગની અંદર એક આધુનિક ગટર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેનાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ગામમાં ન ભરાય અને તે પાણી સિંધુ ગામ તળાવમાં ઠલવાય. ગામમાં કોઈ પણ જગ્યાએ ગંદકી ન થાય તેમજ આધુનિક સાથે ગ્રામજનોને કુદરતી વાતાવરણ મળી રહે તેવા ઉમદા હેતુથી ગામમાં ઠેર ઠેર લીલા છમ અને ઘટાદાર વૃક્ષોનું પણ જતન કરવામાં આવેલું છે. વાવેતર અને આ વૃક્ષોને કોઈ પણ આપતી આવે તો ય ટકી રહે તે માટે વૃક્ષોની આજુબાજુ મોટા મોટા ઓટલાઓ બનાવવા માં આવ્યા છે, જેથી વૃક્ષોને એક મજબૂતી મળી રહે તો સાથે આ ઓટલાઓની આજુ બાજુ મોટા બાંકડાઓ મુકવામાં આવ્યા છે. ગામમાં રહેતા સિનિયર સિટીઝનો પોતાનો હળવાશનો સમય કુદરતી આબોહવા વચ્ચે વિતાવી શકે અને તેમને યોગ્ય સગવડ પણ મળી રહે તેવી સુંદર સગવડ કરવામાં આવેલી છે.
ગામડું પણ જમાના સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યું છે
ચાણસ્માના રૂપપુર ગામ આજના જમાના સાથે કદમ મિલાવી ને ચાલી રહ્યું છે આ ગામ આજે સમગ્ર જિલ્લા માં એકમાત્ર ડસ્ટમુક્ત ગામ બની ચૂક્યું છે ગામની અન્ય સુવિધાઓની વાત કરીએ તો ગામમાં એક સુંદર પ્રાથમિક શાળા આવેલ છે. અહીં બાળકોને ધોરણ 1 થી 8 નો અભ્યાસ મળી રહે છે સાથે સાથ અન્ય પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે..ગામમાં શેરી શેરીએ આગંણવાડીઓ પણ આવેલ છે. ગામમાં એક મોટો હોલ આવેલો છે, ખોડાભા હોલ જે હોલમાં ગ્રામજનો માટે નજીવા દરે ગ્રામજનોનો કોઈ પણ પ્રસંગ હોય તો તે હોલ આપવામાં આવે છે તે ઉપરાંત ગામની અંદર પોસ્ટ ઓફીસની સાથે અહીં જ એક બેંક પણ છે. જેથી ગ્રામજનોને ગામની બહાર ન જવું પડે અને ગામની અંદર થી જ નાણાંકીય વ્યવહાર કરી શકાય. ઉપરાત ગામ સેવા સદન અને આયુષ્માન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ આ ગામમાં આવેલ છે અને નાના બાળકોના આનંદ પ્રમોદ માટે રમત ગમત સાથે બે ગાર્ડન બનાવેલા છે. જેમાં રમત ગમતના સાથનો પણ મુકવામાં આવેલ છે તો સાથે ગામની અંદર પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે વિશાળ પાણીની ટાંકી પણ બનાવામાં આવી છે. જેથી ગ્રામજનોને ઘરે બેઠા પાણી મળી રહે તો સાથે સમગ્ર ગામની અંદર દર પાંચ ઘર વચ્ચે એક ડસ્ટ બિન મુકવામાં આવ્યા છે. જેથી લોકો તેમાં કચરો નાખી શકે છે સાથે સમગ્ર ગામની અંદર દિવસમાં ત્રણ વાર સાફ સફાઈ કરવામાં આવે છે જેને લઈ ટ્રોલીઓ પણ મુકાઈ છે જેથી સમગ્ર ગામ ડસ્તમુક્ત બન્યું છે.
ગામમાં ફક્ત 1 સુવિધાનો છે અભાવ
ગામની અંદર એક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે આધુનિક યુગમાં આ ગામના નેટ કનેક્ટિવિટીનો અભાવ છે. આ ગામમાં કોઈ પણ કંપનીના યોગ્ય નેટ નથી મળી રહેતું, જેથી બાળકોના અભ્યાસમાં મોટી તકલીફ પડી રહી છે. જો તંત્ર દ્વારા આ એક માત્ર ખામી દૂર કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી શકે તેમ છે.
રૂપપુર ગામ આજે સ્વચ્છ ભારત તેમજ નિર્મય ભારત ને સાર્થક કરતું એક સુંદર ગામ બની ચૂક્યું છે. આજે આ ગ્રામજનોને આ ગામને છોડીને બીજે જવાનું મન પણ નથી થતું. આ ગામના લોકો સાથે મળી તમામ તહેવારો મનાવે છે, ત્યારે જો ખરેખર જો એક સ્વચ્છ અને ડસ્ટમુક્ત ગામ જોવું હોય તો એક વાર ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામની અવસ્ય મુલાકાત લોકોને લેવી જોઈએ.