• કૉન્સર્ટ દરમિયાન તબીયત બગડી
  • 53 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
  • ‘તડપ-તડપ કે’ સોન્ગ આજે પણ લોકોને પ્રિય

 

સંગીતની દુનિયા માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સિંગર કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નથનું 53 વર્ષે નિધન થઈ ગયું છે. બૉલિવૂડમાં કે.કેના નામે જાણીતા ગાયક કોલકતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા.

જો કે કૉન્સર્ટ બાદ અચાનક કેકેની તબીયત લથડી હતી અને તે ઢળી પડ્યા. જે બાદ તાત્કાલીક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ કેકેને મૃત જાહેર કર્યા છે.

પ્રાથમિક તપાસમાં કેકેનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે ડૉક્ટરોએ સત્તાવાર કશું જ કહ્યું નથી. તેમના મતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. જો કે કેકેના અવસાનથી બૉલિવૂડમાં શૉકની લહેર છવાઈ ગઈ છે.

Singer KK Death Reason: ગાયક કેકેનું મૃત્યુ કેવી રીતે થયું? જાણો કોલકાતામાં કોન્સર્ટ દરમિયાન શું થયું હતું

કેકેની સંગીતની દુનિયામાં સફર પર એકનજર

23 ઓગસ્ટ, 1968માં દિલ્હીમાં જન્મેલ બૉલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઈન્ડસ્ટ્રીમાં કેકેના હુલામણા નામે જાણીતા હતા. કેકેએ માત્ર હિન્દી જ નહી, પરંતુ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા હતા. કેકેએ પોતાનો અભ્યાસ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી કર્યો અને ગ્રેજ્યુએશન કિરોડીમલ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીથી કર્યું હતું. ફિલ્મોમાં બ્રેક મળ્યા પહેલા કેકે લગભગ 35 હજાર જેટલી જિંગલ્સ ગાઈ ચૂક્યા હતા.

‘પલ’ મ્યૂઝીક આલ્બમથી કેરિયરની શરૂઆત

1999માં ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે કેકેએ જોશ ઑફ ઈન્ડિયા ગીત ગાયું હતું. આ ગીતમાં અનેક ક્રિકેટરો જોવા મળ્યા હતા. જે બાદ કેકેએ મ્યૂઝીક આલ્બમ ‘પલ’ થકી કેરિયરની શરૂઆત કરી હતી.

મ્યૂઝીક કંમ્પોઝર લેસ્લે લુઈસ સાથે મળીને કેકેએ ‘પલ’ આલ્બમ બનાવ્યું અને તેના ગીતો લોકોને ખૂબ જ પસંદ પડ્યા હતા. આ સાથે જ કેકે માટે બૉલિવૂડના દરવાજા ખુલી ગયા હતા.

બૉલિવૂડમાં કેકેને ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું ગીત તડપ-તડપથી મોટો બ્રેક મળ્યો હતો. જો કે તેનું ડેબ્યુ ગીત ફિલ્મ માચિસનું ‘છોડ આયે હમ’ હતું. જેમાં તેમણે માત્ર બે લાઈનો જ ગાવા મળી હતી. કેકેએ જ્યોતિ કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા અન તેને બે બાળકો પણ છે.