વડોદરા શહેરમાં સસ્તામાં સોનું આપવાના અને લોન અપાવવાના બહાને કુલ ₹4 કરોડ 92 લાખની મહાઠગાઈના એક સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ સમગ્ર મામલે ડીસીપી મંજિતા વણઝારાએ મીડિયાને વિગતો આપી હતી.
નકલી ચલણી નોટો અને નકલી સોનું ઝડપાયું
ડીસીપી મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, ગત 21મી તારીખે કર્ણાટકની એક મહિલાએ 15 આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહિલાને સસ્તામાં સોનું અને લોન અપાવવાના નામે રૂપિયા પડાવવામાં આવ્યા હતા. પોલીસે અગાઉ બે આરોપીઓ ભરત અને વિરલની ધરપકડ કરી હતી. હવે આ કેસનો સૂત્રધાર ઇલ્યાસ અજમેરી હોવાનું સામે આવ્યું છે. ઇલ્યાસના ઘરે દરોડો પાડવામાં આવતા ચોંકાવનારો ગુનાહિત મુદ્દામાલ મળી આવ્યો હતો.500ના દરની આ નોટો પર 'બેન્ક ઑફ ચિલ્ડ્રન' લખેલું હતું. સોનાના વરખવાળા 51 નકલી બિસ્કિટ મળી આવ્યા, જેનું વજન 2 કિલો 900 ગ્રામ હતું.
સૂત્રધાર ઇલ્યાસ અજમેરી અને તેની મોડસ ઓપરેન્ડી
ડીસીપીએ જણાવ્યું કે, ઇલ્યાસ અજમેરી સામે અગાઉ પણ પાંચ ગુના નોંધાયેલા છે અને તે પોતાનું નામ બદલીને 'રાજવીર પરીખ' તરીકે ઓળખ આપતો હતો. આ ઠગબાજોની ગેંગ લોકોને છેતરવા માટે નકલી પોલીસ બનીને પણ કામ કરતી હતી.ઇલ્યાસે પકડાઈ જવાની બીકે આ ગુનાહિત મુદ્દામાલ તેના સાગરીત ઇદ્રીશ અજમેરીને ત્યાં છુપાવ્યો હતો. હાલમાં આ કેસમાં કુલ 8 આરોપીઓ રડાર પર છે અને ડીસીપીએ સંકેત આપ્યો છે કે તપાસ આગળ વધતા આરોપીઓનો આંકડો હજુ વધી શકે છે. પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે.