બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની માતા સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટી સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે. એક ઉદ્યોગપતિએ 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવા બદલ શેટ્ટી પરિવાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર દ્વારા આપી છે. ANIએ લખ્યું, “અંધેરી કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા, શમિતા શેટ્ટી અને સુનંદા શેટ્ટી સામે એક બિઝનેસમેનની ફરિયાદને પગલે સમન્સ જારી કર્યું છે. જેમાં તેમના દ્વારા રૂ. 21 લાખની લોનની ચુકવણી ન કરવાનો આરોપ છે. કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કર્યો છે.
રૂ. 21 લાખની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ
અહેવાલ મુજબ એક ઓટોમોબાઈલ એજન્સીના માલિકે ત્રણેય વિરુદ્ધ કાનૂની પેઢી ‘મેસર્સ વાય એન્ડ એ લીગલ’ મારફતે તેમની સાથે રૂ. 21 લાખની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. બિઝનેસમેને દાવો કર્યો હતો કે શિલ્પાના દિવંગત પિતાએ 21 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. કરાર મુજબ, તેણે જાન્યુઆરી 2017માં વ્યાજ સહિત સમગ્ર રકમ ચૂકવવાની હતી. પરંતુ તેમણે રકમ ચૂકવી નથી. ફરિયાદીએ એવો પણ દાવો કર્યો છે કે શિલ્પા શેટ્ટી, બહેન શમિતા અને માતા સુનંદા 2015માં તેના પિતા સુરેન્દ્ર શેટ્ટી દ્વારા વાર્ષિક 18 ટકા વ્યાજે કથિત રીતે ઉછીના લીધેલી લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી હતી.
શિલ્પાના પિતાએ લીધી હતી લોન
અહેવાલ મુજબ ચેક સુરેન્દ્રની કંપનીના નામે આપવામાં આવ્યો હતો. એજન્સીના માલિકનો એવો પણ દાવો છે કે સુરેન્દ્રએ તેની પુત્રીઓ અને પત્નીને માંગેલી લોન વિશે જણાવ્યું હતું. જો કે, સુરેન્દ્રનું લોન ચૂકવી શકે તે પહેલા, 11 ઓક્ટોબર, 2016 ના રોજ તેનું મૃત્યુ થયું હતું અને ત્યારથી શિલ્પા, શમિતા અને તેમની માતાએ લોન ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.