જો તમારે દુનિયા જીતવી છે, તો વિદ્રોહી બનવું પડશે- આ વિધાન બ્રાઝીલનાં 52 વર્ષીય ફૂટબોલર સિસીલીડે દો અમોર લીમા પર સારું બેસે છે. તેઓ દુનિયાભરમાં સિસી નામે ફેમસ છે. બ્રાઝીલમાં છોકરીઓને ફૂટબોલ રમવા પર પ્રતિબંધ હતો, તેમ છતાં સિસી છોકરાઓના કપડાં પહેરીને ફૂટબોલ રમતાં હતાં. તેમના શોખને લીધી તેઓ છોકરી છે તે વાતને દુનિયા સામે છૂપાવવી પડી હતી. ફૂટબોલ પ્રત્યેનો લગાવ જોઈને સિસીએ તેમની માતાનો માર પણ ઘણો સહન કર્યો છે. અનેક અડચણો હોવા છતાં તેમણે ક્યારેય ફૂટબોલ રમવાનું છોડ્યું નથી. વર્ષ 1979માં બ્રાઝીલ દેશમાં છોકરીઓના ફૂટબોલ રમવા પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. આ બેન હટાવી દીધા બાદ સિસી રાષ્ટ્રીય ટીમમાં સિલેક્ટ થયા હતા અને 10 નંબરની જર્સી પહેરનાર પ્રથમ મહિલા બન્યાં.
સિસી છોકરાઓ સાથે ફૂટબોલ રમવા જતાં, ત્યારે તેમની મા તેમનો કાન પકડીને મારતાં-મારતાં ઘરે લાવતાં હતાં. સિસીએ કહ્યું કે, મારી માતાને એવું લાગતું હતું કે, છોકરીઓનું ફૂટબોલમાં કોઈ ભવિષ્ય નથી. તે સમયે મેં મનમાં નક્કી કરી લીધું કે, ફૂટબોલ તો હું કોઈ પણ સંજોગોમાં રમીશ અને મારા પર પ્રશ્ન ઉઠાવતી દુનિયાને એક દિવસ ખોટી સાબિત કરીશ.
બ્રાઝીલમાં વર્ષ 1941માં મહિલા ફૂટબોલર ખૂબ પ્રખ્યાત થઈ રહ્યા હતા, પરંતુ સરકારેતે વખતે પુરુષોની રમત એટલે કે રગ્બી, વોટર પોલો અને ફૂટબોલ છોકરીઓને રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
સિસીએ કહ્યાં પ્રમાણે, છોકરાઓએ મારી સાથે ફૂટબોલ રમવાનું શરુ કરી દીધું હતું. તેમની સાથે ફૂટબોલ રમવા માટે છોકરાઓ જેવું દેખાવું પડતું હતું. કારણ કે હું ખૂબ સારી રીતે જાણતી હતી કે, દેશમાં છોકરીઓનાં ફૂટબોલ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મારા પિતા મારા ભાઈને પ્રોફેશનલ ફૂટબોલર બનાવવા માગતા હતા. હું પિતાને ફૂટબોલમાં મારી ફાવટ બતાવવા માગતી હતી.
વર્ષ 1979માં મહિલાવાદી આંદોલનને કારણે દેશમાં છોકરીઓના ફૂટબોલ રમવા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હટાવી ઘણા નિયમો રાખ્યા પછી હટાવી લેવામાં આવ્યો હતો, જેમાં મેચનો સમય છોકરાઓ કરતાં ઓછો રાખવાનો, છોકરીઓએ શરીર ઢંકાય તેવા આખા કપડાં પહેરવાના જેવા નિયમો સામેલ હતા. આ ઉપરાંત મેચ દરમિયાન મહિલાઓ પુરુષોની જેમ એકબીજા સાથે જર્સી નહીં બદલી શકે.
થોડા સમય પછી સિસીના પિતાને તેમના ફૂટબોલ ટેલેન્ટ વિશે ખબર પડી ગઈ હતી. તેમની પત્નીનો ડર હોવા છતાં તેમણે સિસીને 14 વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાની અનુમતિ આપી દીધી હતી. સિસીનાં પિતીએ કહ્યું કે, તને ભગવાને ફૂટબોલનું ટેલેન્ટ ગિફ્ટ રૂપે આપ્યું છે, હું તને કેવી રીતે રોકી શકુ!!
3 વર્ષ બાદ સિસીને એક ફેમસ ક્લબ સલ્વાડોર અને ત્યારબાદ બ્રાઝીલની ઘણી નેશનલ ટીમમાં રમવાનો ચાન્સ મળ્યો હતો. 17 વર્ષની ઉંમર સિસીને તેના એક ડોક્યુમેન્ટ પર માતા-પિતાનાં હસ્તાક્ષર કરાવવાના હતા. તે સમયે તેના પિતા બહારગામ ગયા હતા આથી તેણે મમ્મી સાથે પિતાના હસ્તાક્ષરની કોપી કરાવી હતી.
વર્ષ 1988માં ફીફાએ ચીનમાં મહિલા માટે પ્રથમ ઈન્વિટેશનલ ટુર્નામેન્ટ યોજી હતી. અહીં લોકો વચ્ચે સિસી 'ક્વીન ઓફ બ્રાઝીલિયન ફૂટબોલ' નામથી ફેમસ થઈ ગયા હતા. ડેબ્યુ મેચ પહેલાં તેમને 10 નંબરની જર્સી આપવામાં આવી હતી, જેની શરૂઆત ઘણા સમય અગાઉ થઈ ગઈ હતી. સિસી એ જર્સી પહેરીને બાળકની જ��મ રડવા લાગ્યાં હતાં.
ચીનમાં યુરોપ ચેમ્પિયન નોર્વે વિરુદ્ધ સિસીએ પોતાનો પ્રથમ ગોલ સેટ કર્યો હતો. તેઓ વર્ષ 1999નાં સૌથી વધારે ગોલ કરનારા ખેલાડી બન્યાં. જો કે તે ટુર્નામેન્ટમાં બ્રાઝીલ ત્રીજા નંબર પર આવ્યું હતું.
છેલ્લાં 20 વર્ષોથી સિસી કેલિફોર્નિયામાં રહે છે. અહીં તેઓ 2 હજાર છોકરીઓને ફૂટબોલ શીખવાડી રહ્યા છે. સિસી મજાકમાં કહે છે કે, મને ફૂટબોલની આદત પડી ગઈ છે. મને તેનાથી ખૂબ પ્રેમ છે. મેં એક ખેલાડીની રીતે દેશ અને ફૂટબોલને ઘણું બધું આપ્યું છે. હવે કોચ બનીને બીજી છોકરીઓને તૈયાર કરી રહી છું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની દીકરી ચેલ્સીની બુક 'જે 13 મહિલાઓએ દુનિયા બદલી'માં સિસીનું નામ પણ સામેલ છે.