રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગત દિવસે 21 હજાર કરતા વધારે કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જ્યારે હવે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. કોરોનાના વધતાં કેસને લઇને રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે રાત્રિ કર્ફ્યૂવાળા શહેરોમાં કડક અમલીકરણ થશે. તેમજ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ભંગ મુદ્દે કાર્યવાહી થશે.
તેમણે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં માસ્ક ન પહેરનારા 97903 દંડ કરવામાં આવ્યો છે. તેમજ ભીડ મુદ્દે 3830 ગુના દાખલ, 3206 લોકોની ધરપકડ કરી છે. તો રાત્રિ કર્ફ્યૂ ભંગમાં 381 વાહન ડિટેઈન કરાયા છે. આ સિવાય વધુમાં કહ્યું કે લગ્નમાં 150 લોકોને જ મંજૂરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના રોજ નવા 20 હજારથી પણ વધારે કેસ આવી રહ્યા છે. જો કે આજે કોરોનાના કેસમાં આંશિક રાહત મળી હતી. રાજ્યમાં આજે 21,225 નવા કેસ નોંધાયા હતા. જે કાલની તુલનાએ ઓછા હતા. જેને આંશિક રાહત કહી શકાય. બીજી તરફ 9245 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 98.58 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્યના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,10,600રસીના ડોઝ અપાયા હતા.