'તારક મહેતા' ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
સંબંધીઓ મુંંબઈ રવાના થયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેસાણાથી ઘનશ્યામ નાયકના સંબંધીઓ મુંબઈ જવા રવાના થયા છે.
ઓપરેશનના છ મહિના બાદ ટેસ્ટમાં વાત સામે આવી
વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.
કિમોથેરપી માટે કેમોપાર્ટ બેસાડ્યો
ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.
છેલ્લે ગુજરાતની કંપની માટે જાહેરાત કરી હતી
ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.
નટુકાકાને મળ્યો હતો પૂરો પગાર
શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. તેમણે દર મહિને 1 લાખનો પગાર મળતો હતો. આ ઉપરાંત તેમને જેટલા એપિસોડ શૂટ કર્યા હોય તે પ્રમાણે ફી મળતી હતી.