આ સપ્તાહ સ્નાન-દાન અને વ્રતનું રહેશે. આ સપ્તાહમાં પોષ મહિનાની ષટ્તિલા એકાદશી, તલ બારસ અને મૌની અમાસ આવશે. પોષ મહિનાની આ અમાસ શનિવારે હોવાથી શનિશ્વરી મહાપર્વ રહેશે. આ વ્રત-પર્વમાં પાણીમાં તલ નાખીને સ્નાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જશે. સાથે જ આ દિવસોમાં તલનું દાન કરવાથી મળતું પુણ્ય અખૂટ રહેશે. આ ત્રણ વ્રત-પર્વમાં સ્નાન-દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે.
16 થી 21 જાન્યુઆરી સુધી વ્રત-પર્વના ત્રણ ખાસ દિવસ
18 જાન્યુઆરી, બુધવારઃ આ સપ્તાહમાં બુધવારે એટલે આજે ષટતિલા એકાદશી વ્રત કરવામાં આવશે. પોષ મહિનો હોવાથી આ વ્રતમાં પાણીમાં તલ નાખીને સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાની સાથે જ તલનું દાન કરવાથી અનેક યજ્ઞ કરવા સમાન પુણ્ય ફળ મળે છે.
19 જાન્યુઆરી, ગુરુવારઃ આ દિવસે પોષ મહિનાની બારસ તિથિ રહેશે. નારદ, પદ્મ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે આ દિવસે પણ તલના પાણીથી સ્નાન કરવું, તલ ખાઈને વ્રત કરવું અને ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. તલ બારસનું વ્રત કરવાથી મળતું પુણ્ય લાંબા સમય સુધી શુભફળ આપે છે.
21 જાન્યુઆરી, શનિવારઃ આ દિવસે પોષ મહિનાની અમાસ રહેશે. તેને મૌની અમાસ કહેવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ પર્વમાં પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવાથી અનેક જન્મોના જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે. આ દિવસે દેવતા પણ સંગમમાં સ્નાન માટે આવે છે. આ વખતે શનિવારનો યોગ બનવાથી તે શનિશ્વરી મહાપર્વ થઈ જશે. આ પવિત્ર સંયોગમાં તીર્થ સ્નાન કરવાથી મળતું પુણ્ય અખૂટ રહે છે.
તીર્થ સ્નાનનું મહત્ત્વ
સ્વાસ્થ્ય ખરાબ રહેવાના લીધે જો તીર્થ સ્નાન કરી શકો નહીં તો ગ્રંથોમાં એકાદશી, બારસ અને અમાસના દિવસે પાણીમાં ગંગાજળ અને તલ નાખીને સ્નાન કરી શકો છો. આવું કરવાથી આખા મહિનામાં તીર્થ સ્નાન કરવા જેટલું પુણ્ય ફળ મળી શકે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કોઈપણ તીર્થનું પાણી આ દિવસોમાં ગંગાજળ સમાન જ હોય છે. આ પવિત્ર દિવસોમાં તલના પાણીમાં ભગવાન વિષ્ણુનો અંશ હોય છે. એટલે આ પર્વમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે