બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ તથા એડ ફિલ્મમેકર તથા પ્રોડ્યૂસર રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે દુઃખદ અવસાન થયું છે. મંદિરા બેદી તથા રાજના લગ્નને 22 વર્ષ થયા હતા. બંને પહેલી વાર 1996માં મળ્યા હતા.
પહેલી મુલાકાત
1996માં મંદિરા તથા રાજની મુલાકાત થઈ હતી. રાજ ડિરેક્ટર મુકેશ આનંદના ત્યાં ચીફ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. તે 'ફિલિપ્સ 10'ના ઓડિશનમાં વ્યસ્ત હતો. આ જ સમય દરમિયાન મંદિરા બેદી ટીવી સિરિયલ 'શાંતિ'ને કારણે ઘણી જ લોકપ્રિય હતી. આટલું જ નહીં તેણે બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં કામ કર્યું હતું. રાજને મંદિરાના કામની ખબર હતી. મંદિરા આ શોના ઓડિશન માટે આવી હતી. તેણે રેડ તથા વ્હાઈટ સ્ટ્રિપ્ડ ટી શર્ટ તથા ખાખી પેન્ટ પહેર્યું હતું. રાજે આમ તો મંદિરાને 'DDLJ'માં જોઈ હતી, પરંતુ તેણે ઓડિશન દરમિયાન પહેલી જ વાર મંદિરાને ધ્યાનથી જોઈ હતી.
ઓડિશન બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ
આ ઓડિશન બાદ રાજ તથા મંદિરા મિત્રો બની ગયા હતા. તેઓ અવાર-નવાર એકબીજાને મળતા હતા. 1996ના અંતમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે, રાજ માત્ર ત્રણ મુલાકાત બાદ જ મંદિરના પ્રેમમાં પડી ગયો હતો. તેઓ અવારનવાર મુકુલ આનંદના ઘરે મળતા હતા.
બંનેને એકબીજાની કઈ વાત ગમી
મંદિરાએ તે સમયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાજ ઘણો જ બેઝિક વ્યક્તિ છે અને પ્રામાણિક છે. તે અન્ય લોકોની જેમ સહેજ પણ બનાવટી નથી. આ જ વાત તેને સૌથી વધુ ગમી હતી તો સામે રાજે કહ્યું હતું કે મંદિરા ઘણી જ કલ્ચર્ડ, હોંશિયાર તથા સુંદર યુવતી છે. એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવાને કારણે મંદિરાને ખ્યાલ છે કે અહીંયા કેટલું કામ રહે છે અને લાઈફ કેટલી બિઝી રહે છે. તે દરેક બાબતમાં સપોર્ટ કરે છે. મુશ્કેલ સમયમાં પણ ડર્યા વગર હિંમત આપે છે. આ રીતે બંને વચ્ચે ગાઢ પ્રેમ જોવા મળ્યો હતો.
મંદિરા બેદીના પેરેન્ટ્સ લગ્ન માટે તૈયાર નહોતા
રાજ પ્રેમિકા મંદિરા સાથે લગ્ન કરવા માટે ઉતાવળીયો બન્યો હતો. આથી જ તેણે મંદિરાની મુલાકાત પોતોના પેરેન્ટ્સ સાથે કરાવી હતી. રાજના પેરેન્ટ્સને મંદિરા ઘણી જ ગમી હતી અને તેમને દીકરાની પસંદ પર વિશ્વાસ હતો. જોકે, મંદિરા બેદીના પેરેન્ટ્સને આ સંબંધ મંજૂર નહોતો. મંદિરાના પેરેન્ટ્સ શરૂઆતમાં રાજને મળવામાં અસહજ નહોતા. મંદિરાના પિતા કો-ઓપરેટ હતા. થોડી જ વારમાં બંને એકબીજા સાથે વાતોએ વગળ્યા હતા. થોડાં સમય બાદ મંદિરાના પેરેન્ટ્સ પણ લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.
1999માં લગ્ન
ત્રણ વર્ષના સંબંધો બાદ 1999માં 14 ફેબ્રુઆરીના રોજ મંદિરા તથઆ રાજે લગ્ન કર્યાં હતાં. મંદિરા રેડ તથા ગોલ્ડન લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી તો રાજે ગોલ્ડન શેરવાની પહેરી હતી.
લગ્નના 12 વર્ષ બાદ દીકરાનો જન્મ
લગ્ન બાદ મંદિરા પોતાના કામમાં ઘણી જ વ્યસ્ત થઈ હતી અને તેથી જ લગ્નના 12 વર્ષ બાદ મંદિરાએ પરિવારને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. મંદિરાએ 2011માં 17 જૂનના રોજ દીકરા વીરને જન્મ આપ્યો હતો. 2013માં મંદિરા તથા રાજે દીકરીને દત્તક લેવા માટે અરજી કરી હતી. 2020માં તેમણે ચાર વર્ષીય દીકરી તારાને દત્તક લીધી હતી.
વિવાદ પણ થયો હતો
મંદિરા તથા રાજ બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. 2003માં ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન અફવા હતી કે મંદિરા તથા યુવરાજ વચ્ચે અફેર છે. આ વાત પર રાજે કહ્યું હતું કે તેમના લગ્નમાં વિશ્વાસ સૌથી મહત્ત્વનો છે. મંદિરા તથા તે જે ફિલ્ડમાં કામ કરે છે ત્યાં આકર્ષક તથા હેન્ડસમ લોકો હોય છે. આથી જ અહીંયા વિશ્વાસની વધુ જરૂર છે.