જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિકે આરોપ મૂક્યો છે કે, મારા કાર્યકાળમાં જો હું અનિલ અંબાણી અને આરએસએસ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ફાઇલોને મંજૂરી આપું તો મને રૂપિયા 300 કરોડની લાંચની ઓફર અપાઈ હતી. પરંતુ મેં તે સોદાઓ રદ કરી દીધા હતા. મારા આ નિર્ણયને સમર્થન આપવા માટે હું વડા પ્રધાન મોદીનો આભારી છું.
પીએમ મોદીએ મને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના મામલે સમાધાન કરવાની કોઈ જરૂર નથી. મલિકે કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, જો ખેડૂતોનું આંદોલન જારી રહેશે તો તેમના સમર્થનમાં ઊભા રહેવા હું મારો હોદ્દો છોડવા પણ તૈયાર છું.
રાજસ્થાન ખાતે એક કાર્યક્રમમાં મલિકે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા પછી મારી સમક્ષ મંજૂરી માટે બે ફાઇલ રજૂ કરાઈ હતી. જેમાંથી એક અંબાણીની અને બીજી ફાઇલ અગાઉની મહેબૂબા મુફ્તીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા સંઘ સાથે સંકળાયેલા નેતાની હતી.
પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીઓ માટે પીડીપીએ શુક્રવારે સત્યપાલ મલિકને માનહાનિની નોટિસ પાઠવી હતી. સત્યપાલ મલિકે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહેબૂબા મુફ્તીએ રોશની એક્ટ અંતર્ગત જમીનનો લાભ લીધો હતો. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે ગયા વર્ષે જારી કરેલા આદેશ બાદ રોશની એક્ટ રદ કરી દેવાયો હતો.