કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા એક્સાઈઝ ડયૂટી ઘટાડી છે. તેની સામે ગુજરાત સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે. રાજ્યમાં પેટ્રોલ પર અત્યાર સુધી 20.10 ટકા વેટ હતો. તે હવે, 13.7 ટકા કર્યો છે. ડીઝલમાં કેન્દ્ર સરકારે 10 રૂપિયા એક્સાઈઝ ઘટાડી છે. તેની સામે રાજ્ય સરકારે અંદાજે સાત રૂપિયા ભાવ ઘટાડયો છે. ડીઝલમાં અગાઉ રાજ્યમાં 20.2 ટકા વેટ હતો, જે હવે 14.9 ટકા થશે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકારે ભાવ ઘટાડતાં પેટ્રોલ પર કુલ 12 રૂપિયાનો અને ડીઝલ પર કુલ 17 રૂપિયાનો લોકોને ફાયદો થશે. જે જનતા માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં આ બંને ચીજો ઉપર ચાર-ચાર ટકા સેસ વસૂલાય છે, તે દર યથાવત્ રખાયો છે.
પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવ વધારાથી જાહેર જનતા ત્રાહિમામ્ પોકારી ગઇ હતી. તહેવાર ટાણે રોજેરોજ વધી રહેલો ભાવ બોજો બની ગયો હતો. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીને જનતાને દિવાળીની ભેટ આપી છે. મધ્યરાત્રિથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાની અમલવારી થઇ ગઇ છે.
છેલ્લાં 26 દિવસમાં 8.15 રૂપિયા મોંઘું થઇ ચૂકયું હતું પેટ્રોલ
સપ્ટેમ્બરના છેલ્લાં દિવસોથી જે પેટ્રોલના ભાવ વધવાનું શરૂ થયું હતું તે હજી સુધી ચાલુ હતું. પેટ્રોલ 26 દિવસમાં 8.15 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું હતું. છેલ્લાં 29 દિવસમાં ડીઝલના ભાવમાં 9.35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો હતો.
દરરોજ અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
આપને જણાવી દઇએ કે વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે વિભિન્ન શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માહિતી અપડેટ કરે છે.
આવી રીતે જાણો તમારા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યાના રોજ અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે SMS દ્વારા તમે જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને BPCLના ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તો HPCLના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.