સૌરાષ્ટ્ર ની પાવન ભૂમિ માં સંતો,શૂરાઓ ,સતીઓ અવતર્યા છે અને એટલે જ પોતાની ભક્તિ અને તપોબળ થકી દેવો પણ ધરતી પર આવવા મજબૂર થયા છે..!
સૌરાષ્ટ્ર નાં અમરેલીમાં લુહાર જ્ઞાતિમાં સંત મુળદાસ નો જન્મ થયો હતો, બચપણ થી ભક્તિ નાં રંગે રંગાયેલા..! સંત મહા તપસ્વી , જ્ઞાની સિદ્ધપુરુષ હતાં.
આશ્રમની નાની એવી પણૅકુટિર માં બેસી સંત અલખનો આરાધ કરતાં અને આશરા ધર્મ નીભાવી સાધુ સંતો, અભ્યાગતો નેં મીઠો આવકાર આપી અન્ન અને મન નો મહિમા જાળવતા..!
એક દિવસ સંધ્યા સમયે આશ્રમના કુવા તરફ કોઈ અભાગી યુવતી ને જતાં જોઈ સંત દોડ્યા , કુવે પડવા અધિરી થઈ રહેલી અજાણી યુવતી ને સંતે પૂછ્યું: બહેન.. બેટા..! શા માંટે મહામૂલો પ્રાણ તજવા બહાવરી બની છો ? ,
આતમ ઘાત મહા પાપ..!,
ત્યારે અભાગી યુવતી એ કહ્યું: બાપુ..! મારા માટે જીવવું ભાર રૂપ છે..! મારા પેટમાં કોઈ નું પાપ ઉછરી રહ્યું છે, અને તે વ્યક્તિ નું નામ હું કોઈ ને આપી શકું તેમ નથી..! મને મરવા દિયો ,બાપુ..!
સંતે કહ્યું : હે દિકરી..! જો બે જીવ બચતા હોય તો મારૂં નામ આપી દેજે કે પેટમાં રહેલા બાળકનો પિતા મુળદાસ છે..!! બસ...આટલી જ વાત છે ને..?!
ત્યારે દુખીયારી અબળા એ કહ્યું : બાપુ..!, આપનું નામ આપીશ તો જગત આપને નિરર્થક જપવા કે જીવવા નહી દિયે, ત્યારે સંતે કહ્યું : બેટા..! જગતનાં ભાર હળવાં કરવા જ સંતો ધરતી પર અવતરે છે..!
મારૂં જે થવાનું હોય તે થશે પણ બે જીવ બચી જશે તો મારૂં જીવતર સાર્થક ગણાશે..!,
મહાત્મા મુળદાસના વચન થકી મરવાનો નિર્ણય છોડી પોતાના ઉદરમાં મહાત્મા મુળદાસ નું બાળક છે તેમ યુવતી એ જાહેર કર્યું..! પળવારમાં દાવાનળ માફક વાત ચોમેર ફેલાઈ ગઈ, લોકો નફરત અને ધિક્કાર થી સંતને જોવાં લાગ્યા.
અનેક પાપ આચરનારા પોતાની જાતને દેવદૂત સમજી મુળદાસ ને આશ્રમ બહાર ખેંચી ગયાં , નગરની સ્ત્રીઓ એ મુળ દાસના મોઢા પર ,મસ, ચોપડી જોડાનો હાર પહેરાવી સંતનું ફુલેકું ફેરવ્યું..! પોતાનો આશ્રમ આવતા રામજી મંદિર માં પ્રવેશી પરમાત્મા ને વિનવણી કરી : હે પ્રભુ..!, અમરેલી નાં નગરજનો હંમેશા મને ફુલહાર પહેરાવતાં , આજે જોડાનો હાર પહેરાવ્યો છે.. તમે ન્યાય કરજો પ્રભુ, કહેવાય છે મંદિરમાં બિરાજમાન ભગવાન રામજી એ સંતનાં ગળામાં રહેલ જોડાનો હાર લેવા હાથ લંબાવ્યા...!!,
અભાગી દિકરી સાથે સંત ગામ બહાર એક ઝુંપડી માં પિતા પુત્રી તરીકે રહેતા હતા, અબળા એ એક કન્યા રત્ન ને જન્મ આપ્યો.
મહાત્મા મુળદાસે બનાવ બન્યો તે પહેલાં રાય રંક અનેક લોકો ને કંઠી બાંધી ગુરુ થયાં હતાં. જામનગર નાં જામસાહેબે જ્યારે સંત મુળદાસ વિષેની હકીકત જાણી મહાત્મા મુળદાસે બાંધેલ કંઠી તોડી અન્ય સંત પાસે કંઠી બંધાવવા આયોજન કર્યું ,સંતને ખબર પડતાં જ સંત મુળદાસ અમરેલી થી જામનગર દોડી ગયા, રાજમહેલ પાસે એક મરેલી બીલાડી પડી હતી બાજુમાં પોષણ માટે તેનાં નાનાં બચ્ચાં તલખતા હતાં..!!
મરેલી બીલાડી માથે અંચળો ઢાંકી સંતે રાજમહેલમાં પ્રવેશ કર્યો, સિપાહીઓ એ જામસાહેબ ને સંત મુળ દાસના આગમનના સમાચાર આપ્યાં ,સંતને જોઈ જામસાહેબ અવળું ફરી ગયા,
ત્યારે સંતે કહ્યું : મહારાજ..! આપ મારૂં મોં જોવા ન ઈચ્છતા હો તો હું પરત જતો રહીશ આટલું કહેતાં મરેલી બીલાડી તેમની આગળ ફેંકી કહ્યું : મારી બાંધેલી કંઠી તોડી આપશ્રી અન્ય ની કંઠી ધારણ કરવાં જય રહ્યા છો , તો આપશ્રીને અને કંઠી બાંધનાર ગુરુ નેં આ મૃત બીલાડી ને જીવન આપી તેનાં બચ્ચાં માટે જીવ દયા આપવાની શક્તિ છે..?,
ત્યારે જામસાહેબે કંઠી બાંધવા માટે પધારેલા ગુરુ નેં બીલાડી સજીવન કરવા માટે કહ્યું પણ તે અસમર્થ જણાયાં , ત્યારે જામસાહેબે સંત મુળ દાસને બીલાડી સજીવન કરવા કહ્યું , પોતાની પાસે રહેલા કમંડળ માંથી પાણીની ત્રણ અંજલિ છાંટતા જ બીલાડી પોતાના બચ્ચા તરફ દોડી , રાજવી એ સંતની ક્ષમા માંગી સન્માન કર્યું , જ્યારે અમરેલી નાં નગરજનો એ હકીકત જાણી માન સન્માન સાથે અમરેલી લય ગયા..!
પરમાત્મા ને ફરી થી કસોટી ની એરણ પર ન ચઢાવવા સંત શિરોમણી મુળદાસે સમાધી લેવા નિર્ણય કર્યો , પળવારમાં તેમના પ્રાણ જતાં રહ્યાં..! નગરજનો વાજતેગાજતે ડોલીમાં તેમના દેહને બિરાજમાન કરી જતા હતા ત્યારે એક નવોઢા સાસરવાસ સિધાવી રહી હતી, પાલખી માં શબને જોઈ ,અપશૂકન માની ઘેર પરત ફરવા તૈયાર થઈ, ત્યારે ડોલીમાં બિરાજમાન મુળદાસ ઉઠ્યા અને સાસરવાસ સિધાવી રહેલી યુવતીને કહ્યું : દિકરી..! સુખરૂપ સાસરવાસ સિધાવો , તમે તમારા સ્વામી ને મળવા અધિરા છો... હું મારા સ્વામી ને..!!, હવે હું આવતીકાલે સિધાવીશ કહેતા ડોલીમાં થીં ઉતરી પગપાળા આશ્રમમાં આવ્યા, બીજા દિવસે ,ચોલો, મૂક્યો અને સ્વર્ગે સિધાવ્યા..!
સંત શિરોમણ��� મુળદાસજી ની ચેતન સમાધી હયાત છે , મંદિર પર ફરકતી ધર્મ ધજા સંતનાં તપોબળ ની યાદ અપાવે છે, લોકો શ્રદ્ધા પૂર્વક વંદન...આરદા કરી કપરાં કળિકાળમા પણ મનોવાંચ્છિત ફળ મેળવે છે ! ધન્ય છે પાવનકારી ધરતીને કે જ્યાં આવાં વિરલ સંતો અવતર્યા..! ધન્ય છે લુહાર સમાજ ને જેણે આવાં વિરલ સંતને જન્મ આપ્યો..!
સંતોએ સત્ય કહ્યું છે :
"સંતને સંતપણા રે..ભાઈ નથી મફતમાં મળતા ,
નથી મફતમાં મળતા એનાં મૂલ ચૂકવવા પડતાં ,
પરદુઃખે જેના આતમ દુખીયા,રૂદીયા એનાં રડતાં,
માન,મોહને મમતા ત્યાગી જય બ્રહ્મમાં ભળતા..!"