મિત્રો નાનપણમાં શેખચલ્લીની જોક્સ, शेखचिल्ली की कहानी,शेखचिल्ली कार्टून વગેરે વાતો ખુબ જ આનંદથી વાંચતા- સાંભળતા. તો ચાલો આજે ફરીવાર બાળપણમાં લટાર મારીએ અને માણીએ.
😃😄😃😅😃😄😃😆😃😂😄😅😂😃😁😬😅😃😂😄😃😂
કુલ્લૂના ખીણપ્રદેશની આ વાત છે.
એક ગામ હતું. એમાં એક વિધવા બાઈ રહેતી હતી. એને એકનો એક જ છોકરો હતો. એનું સાચું નામ તો શું હતું એની ખબર નથી, પણ લોકોએ એનું નામ પાડ્યું હતું શેખચલ્લી. બુદ્ધિને અને એને બાર ગાઉનું છેટું હતું.
ગામમાં આખો દિવસ રખડવું અને ભૂખ લાગે એટલે ખાવા ઘેર આવવું એ એનો નિત્યક્રમ હતો. શેખચલ્લી જુવાનીમાં આવ્યો. માએ એનાં ધામધૂમથી લગ્ન કર્યા. ભાગ્ય યોગે સાસરું સારું મળ્યું હતું. વહુ પણ શાણી અને સમજુ હતી. થોડા દિવસ રહી શેખચલ્લીની વહુને એનાં માબાપ તેડી ગયા.
તહેવારના દિવસો આવ્યા. શેખચલ્લીની માએ કહ્યું : ‘ બેટા ! તારે સાસરે જઈને તારી વહુને તેડી આવ. ‘
શેખચલ્લી તો વાત સાંભળતાં જ નવાં કપડાં પહેરી તૈયાર થઈ ગયો. માએ વિચાર કર્યો કે, આ તો બુદ્ધ છે. સાસરે જઈ એની બુદ્ધિનું પ્રદર્શન કરી હાંસીને પાત્ર બનશે. લાવ એને કંઈ શિખામણ દઉં.
માએ શેખચલ્લીને સમજાવતાં કહ્યું : ‘જો બેટા ! આપણે ઘેરથી નીકળી બીજે ક્યાંય આડે અવળે ન જતાં સીધો તારા સસરાના ઘેર જ પહોંચી જજે. ત્યાં જઈને શાંત બેસી રહેજે. ખાવા – પીવામાં મોં ન ચઢાવવું. શાક – પાંદડું ખાઈને આનંદ મનાવવો. આડી – અવળી નકામી વાતો ન કરવી. બોલે તો જાણે અખરોટ ફોડી રહ્યો હોય તેવી વાણી બોલવી. કોઈ ન કહે કે જમાઈ નકામો લવારો કરી રહ્યો છે. સાસરીયા પણ જાણે કે જમાઈ ડહાપણનો દરિયો છે ! ‘
શેખચલ્લી માનો ઉપદેશ ધ્યાનથી સાંભળી રહ્યો. સારા શુકન જોઈ ઘેરથી નીકળ્યો. એ તો નાકની સીધી દિશામાં ચાલવા લાગ્યો.
રસ્તામાં ખાડા – ટેકરા આવે તો એક તરફથી ઉપર ચઢતો અને બીજી તરફથી ઉતરતો એમ ખૂબ લાંબો પંથ કાપતો કાપતો એ પોતાના સસરાના ઘરભેળો થઈ ગયો.
સાસરિયાંએ જમાઈનું ખૂબ સ્વાગત કર્યું. સાસુ વિચારવા લાગી કે જમાઈરાજા પહેલી વખત સાસરે આવ્યા છે એટલે એમની સેવાચાકરીમાં કોઈ કસર ન રહેવી જોઈએ.
સાંજ પડી. શેખચલ્લીને જમવા બોલાવ્યો. આસન પર બેસાડી એની સામે મેવા – મિષ્ટાન્ન પીરસ્યાં. શેખચલ્લી તો ખાવાને બદલે ભોજન સામે જોઈ બેસી રહ્યો છે.
સાસુએ કહ્યું : ‘ જમાઈરાજ ! જમવા માંડો. ‘
શેખચલ્લીએ કહ્યું : ‘ આવું આલતું – ફાલતું હું નહિ ખાઉં. ‘
સાસુ કહે : ‘ તો શું ખાશો ? ‘
શેખચિલ્લી અને કુવા ની પરીઓ ની વાર્તા
શેખચલ્લી કહે : ‘ આપણે તો શાક – પાંદડું ખાઈશુ. બીજું આપણાથી ન ખવાય.
‘ શેખચલ્લી માની શિખામણ પ્રમાણે શાક – પાંદડું ખાઈને ઊઠ્યો. પકવાન પડી રહ્યાં.
ખાધા પછી બધાં વાતો કરવા બેઠા. સાળા – સાળીઓએ શેખચલ્લીને કહ્યું : ‘ જિજાજી ! કોઈ સરસ કવિતા સંભળાવો. ‘
શેખચલ્લી કહે : ‘ એમ કવિતા — બવિતા ન સંભળાવાય. પહેલાં મારી સામે એક ટોકરી ભરીને અખરોટ મૂકો પછી જૂઓ બંદાના ઝપાટા.
એક ટોકરી ભરીને અખરોટ શેખચલ્લી સામે મૂક્યા. શેખચલ્લી તો અખરોટ તોડતો ગયો અને ઢંગધડા વગરનું બોલતો ગયો અખરોટ ખલાસ થઈ ગયા એ સાથે જ શેખચલ્લીની વાણી બંધ થઈ ગઈ. એને એક ઓરડામાં ખાટલો પાથરી આપ્યો શેખચલ્લી સૂઈ ગયો.
અડધીએક રાત વીતી. શેખચલ્લીને ભૂખ સતાવવા લાગી. શાક — પાંદડાથી તો ભૂખ ભાંગે ? એણે પોતાની પત્નીને જગાડીને કહ્યું : ‘ એઈ ! મને ભૂખ લાગી છે , કંઈક ખાવાનું આપ. ભૂખ્યા પેટે તો ઊંઘ પણ નથી આવતી. ‘
એની સ્ત્રી કહેવા લાગી : ‘ આટલી રાત વીત્યે મારી પાસે આવતાં શરમ નથી આવતી ? મારી માએ કેવા હોંશભેર પકવાન બનાવીને પીરસ્યાં હતાં, એ ખાતાં શું થયું ? હવે શું કરું ? ઘરમાં કંઈ વધ્યુંઘટયું પણ નથી. તમને શું આપું. ‘
શેખચલ્લી ઓશિયાળુ મોં કરી બોલ્યો, ‘ ગમે એમ કરીને કંઈ ખાઈ શકાય એવી વસ્તુ મને આપ.’
‘હા … યાદ આવ્યું. નીચેના ઓરડામાં ચાલ્યા જાઓ. ત્યાં એક ઘડો પડયો છે એમાં મધ ભરેલું છે. ઘડાનું ઢાંકણ ખોલીને એમાંથી મધ ખાજો અને પાછો હતો એમ ઘડો બંધ કરી દેજો. ‘
શેખચલ્લી નીચેના ઓરડામાં ગયો. એણે મધના ઘડાનું ઢાંકણ ખોલવાની મહેનત ન કરી. એણે આજુબાજુમાંથી પથ્થર ખોળી કાઢયો અને ઘડામાં કાણું પાડ્યું અને કાણા પાસે મોં ધરીને મધ પીવા માંડયો.
પેટ ભરાયું એટલે એ બોલ્યો, ‘ કાણાભાઈ ! હવે બંધ થઈ જાઓ. મારું પેટ હવે ભરપૂર થઈ ગયું છે.
પરંતુ કાણું એમ કહ્યું શાનું બંધ થાય. મધ તો વહેવા માંડ્યું. મધને નકામું વહેતું જોઈ શેખચલ્લીએ મધને પોતાના શરીર પર ચોપડવા માંડયું. એનું આખુંયે શરીર મધથી લથબથ થઈ ગયું. આવા વેશે એ પોતાની સ્ત્રી પાસે ગયો.
શેખચલ્લીનો આવો દેખાવ જોઈ એની સ્ત્રી ચમકીને બોલી, ‘ અરે , તમે આ શું કર્યું ? તમે તો આખા શરીર પર મધના લપેડા કર્યાં છે. હવે શું થશે ?
‘ શેખચલ્લી કહે : ‘ એમાં હું શું કરું ? મારું પેટ ભરાઈ ગયું, એટલે મેં કાણાને કહ્યું કે હવે બંધ થઈ જા. પણ એણે મારું કહ્યું માન્યું નહિ. આવું મોંઘું મધ એમ બેકાર વહી જાય એ પાલવે ખરું ? મેં મધ મારા શરીરને ખાવા આપ્યું. જેથી એને ફરીથી ભૂખ ન લાગે. ‘
શેખચલ્લીની સ્ત્રીએ કહ્યું : ‘ હવે એક કામ કરો. ઢોરના વાડામાં જાઓ અને ઘેંટા સાથે શરીર ઘસીને આવીને સૂઈ જાઓ. ‘
શેખચલ્લી ઢોરના વાડામાં ગયો. ત્યાં જઈને એણે ઘેંટાના ઊન સાથે પોતાનું શરીર ઘસવા માંડ્યું.
શરીર સાફ થવાને બદલે ઘેટાના સફેદ વાળ એના શરીરે ચોંટી ગયા. શેખચલ્લી તો જાણે એક મોટો ઘેટો જ જોઈ લો એવો બની ગયો.
એવામાં ચાર ચોર ઘેટા ચોરવા વાડામાં પેઠા. ખાસ્સા તાજા ઘેટાની શોધ કરવા માંડી.
શેખચલ્લી પણ ઘેંટાના ટોળામાં ચાર પગે થઈને બેઠો હતો એટલે એ પણ અંધારામાં મોટા ઘેંટા જેવો જ દેખાતો હતો. આવડા મોટા અલમસ્ત ઘેટાને જોઈ એક ચોર બોલી ઊઠ્યો, ‘ આ જોયો કેવો મસ્ત ઘેટો છે ! આને તો ઉપાડી જ જઈએ. ‘
ચોરોએ બીજા ઘેટા ભેળો શેખચલ્લીને પણ ઉપાડયો અને નાખ્યો ટપ્પામાં. રસ્તામાં ચાર ચોર અંદરો અંદર વાતો કરવા લાગ્યા આજે બહુ ઉમદા માલ હાથ લાગ્યો છે. શુકન જોઈને નીકળ્યા લાગીએ છીએ.
એક બોલ્યો : ‘ બસ, થોડે દૂર જઈને ચારે જણા માલ વહેંચી લઈશું’
ચોરોની વાતમાં શેખચલ્લી વચ્ચે જ ટપકી પડ્યો : ‘ અરે, ચારની વાત ક્યાં કરો છો ? હું પાંચમો આ રહ્યો ! મારો પણ એમાં ભાગ છે.
આ સાંભળી ચોર તો ચમકી ગયા. એમણે આડું અવળું જોયું પણ કોઈ ક્યાંય ન દેખાયું. એ વિચારવા લાગ્યા કે ચાલો ઝટ ઝટ વહેંચણી કરી લઈએ. આપણને કોઈ જોઈ રહ્યું છે.
ચોરો પાછા માલની વહેંચણી કરવા લાગ્યા. ત્યાં ઘેટાની ટોળીમાંથી પાછો શેખચલ્લી બોલી ઊઠ્યો, ‘ અરે ભાઈઓ ! પાંચ ભાગ પાડો. પાંચમો હું આ રહ્યો . ‘ ચોર તો ડરી ગયા.
એમણે આમતેમ જોયું પણ કોઈ માણસ દેખાયું નહિ. એમણે વિચાર્યું કે અહીં તો કોઈ છે એટલે થોડે દૂર જઈને માલની વહેંચણી કરીએ. જેથી કોઈ જોઈ ન જાય. ‘
એ તો થોડે દૂર ગયા અને વહેંચણી કરવા બેઠા. ત્યાં વળી પાછો શેખચલ્લી બોલી ઊઠ્યો.
એક ચોર કહેવા લાગ્યો : ‘આટલામાં તો કોઈ દેખાતું નથી. પણ માનો ન માનો પણ આ ઘેટામાંથી તલાશી લેવા માંડી.
એક એક ઘેંટાને વારાફરતી તપાસવા માંડ્યાં. છેવટે શેખચલ્લીનો વારો આવ્યો. એને જોતાં જ ચોરો તો દિંગ બની ગયા.
અરે , આ તો માણસ છે. એના શરીર ઉપર જુઓ તો ખરા ! ઘેટાના વાળ ચોટેલા છે. એમણે ઘેંટામાંથી શેખચલ્લીને બહાર કાઢ્યો.
ચોરોના આગેવાને શેખચલ્લીને પૂછ્યું, ‘ અરે , ઓ બેવકૂફ ! આવો સ્વાંગ કેમ કાઢયો છે ? શું તું અમને મુશ્કેલીમાં મૂકવા માગે છે ?’
ચોરોનો બિહામણો દેખાવ અને લાલચોળ આંખો જોઈ શેખચલ્લી ડરી ગયો. તેણે ડરતાં ડરતાં પોતાના ઘેરથી નીકળી સાસરીયામાં આવીને તથા ઘેંટો બન્યાની બધી વાત અથથી અંત સુધી, સાચેસાચી ચોરોને કહી સંભળાવી.
અક્કલના ઓથમીર જેવા શેખચલ્લીની વાત સાંભળી ચોર ખડખડાટ હસી પડ્યા એમણે ઘેટાની વહેંચણી કરી લીધી અને પોતાને રસ્તે પડ્યા.
શેખચલ્લી પણ વીલે મોંએ વહુને લીધા વગર પોતાના ઘેર આવ્યો. ઘેર આવી તેણે માને પોતાની વાતથી વાકેફ કરી. મા તો બુદ્ધુ છોકરાની વાત સાંભળતાં જ માથું પટકી રડવા લાગી અને કહેવા લાગી કે , શેખચલ્લી તે શેખચલ્લી !