કાના પટેલ (કણબી ) નો ઇતિહાસ...
“છોટિયા ! જાગતો રહેજે હો...”
“ભલે લધાકાકા ! તમતમારે નિરાંત રાખો...”
“છોટિયા ! આ રસ્તે તો કાળજું પણ સાચવવું પડે. જાણ છ ને ?”
“હા કાકા ! કાળજે ચાર આંગળ પાણી રાખો...” હળવદનો છોટાલાલ આમ તો ખેડાવળ બ્રાહ્મણ પણ બળૂકા હૈયાનો, તોપના ગદડિયા જેવો લોંઠકો અને સીમવગડે પડછંદા પાડે એવી હરમતનો આદમી...!
લધા શેઠ રાપર તાલુકાના મોડા ગામના વેપારી. રાપર તે દી કચ્છથી આલાયદો પંથક... લધા શેઠ નાનામોટા વેપાર કરે. વહેવાર બધો એને હળવદના પીઠા સાથે. હળવદ ઝાલાઓની રાજધાનીનું શહેર... હળવદનો દિનમાન તે ‘દી અનોખો. લધા શેઠ મોડાથી માળનાં ગાડાં ભરીને નીકળે. વરણુના મારગેથી રણ વટાવીને, ટીકર થઈને હળવદ આવે. પોતે ખરીદેલ માલ હળવદમાં વેચે અને વળતા ફેરે હળવદમાંથી પોતાની દુકાન માટે માલના ગાડાં ભરે... રસ્તો ભારે કહોબો અને આવતાંજતાં જોખમનો પાર નહીં. આથી લધા શેઠ હળવદના છોટાલાલને રખોપિયા કે રક્ષક તરીકે સાથે રાખે... છોટાલાલ સાથે કાકાભત્રીજાનો ઘરોબો, એટલે શેઠ અને છોટાલાલને બદલે છોટિયા કહીને સંબોધે...!
આજે લધા શેઠે હળવદમાંથી બે ગાડી ગોળ ખરીધ્યો હતો. બીજી ચીજવસ્તુઓ પણ ભરી હતી. હળવદમાંથી નીકળતાં નીકળતાં સૂરજ આથમવા આવ્યો’તો, લધા શેઠ આગળની ગાડીએ, ચારવડી ધડકી પાથરીને આડે પડખે સૂતા આવે છે. બળદગાડી ધીમે ધીમે ચાલે છે. સપાટ ભૂમિ ઉપરથી સૂસવતો વાયરો ક્યારેક ટાઢાં લેરખાં ઢોળે છે અને લધા શેઠ ક્યારેક ઝોકું ખાઈ લે છે. ઝોકું ઊડે છે, ત્યારે પાછલી ગાડીએ હાથમાં કડિયાળી લાકડી લઈને બેઠેલા છોટાલાલને એ ટપારે છે... છોટિયો એને ખોંખારા મારીને હરમત દે છે...!
લધા શેઠને એકાંતરા મોડાથી હળવદ આવવાનું બને છે અને અઠવાડિયાના ચાર દિવસ લધા શેઠને હૈયેથી, રોજમેળના પાના પર લખેલ હોય એવો બિકાળવો ઇતિહાસ વંચાતો જાય છે. ઝાલાવાડ અને કચ્છની બેવનમાંથી પસાર થતો આ મારગ ભારે કહોબો રહેતો. દેશી રજવાડાનાં વેરઝેર અને ખટપટનો ભોગ યાત્રાળુઓ કે વણજવેપારના ધંધાર્થીઓ માટે જીવનું જોખમ. બંને મલકના બહારવટિયા રાપરમાં આશરો લ્યે... કચ્છનો લૂંટારો ઝાલાવાડમાં જતો રહે એટલે પછી એને લીલાલહેર અને ઝાલાવાડનો લૂંટારો રાપરમાં જતો રહે કે કોણ હું અને કોણ તું ? નહીં રાવ કે નહીં ફરિયાદ...! પ્રજા ધોળા દિવસે લૂંટાતી રહે. લૂંટારા બોકાસા બોલાવતા રહે...!
લધા શેઠનાં ગાડાં ચાલતાં ચાલતાં ટીકર વટાવીને રણના માર્ગે થઈને રણમાં પ્રવેશે છે, ત્યાં તો રાત ઢળવા આવી’તી... લધા શેઠની પાસે રૂપિયા ભરેલી ‘વાંસળી’ હતી અને બે ગાડી ગોળ... !
“છોટિયા !” શેઠ છોટાલાલને સંબોધે છે : “સાબદો રહેજે હો છોટિયા !”
“સાબદો જ છંવ, કાકા ! મોજ કરો.” છોટિયો એની ડાંગ સંભાળે છે અને પછી મરક મરક થાય છે : “આપણે ચાર આદમી છીએ કાકા ! બે આપણે અને બે ગાડખેડુઓ.”
“ગાડાખેડુ તો ગાડાં હાંકી જાણે, છોટિયા !” શેઠ બોલે છે : “ઈ કાંઈ હથિયાર ઉપાડી હકે ? કણબીનાં કામ નૈ, છોટિયા ઈ તો રળવાનાં રાસ ! સારો કોઈ હાકલો મારે તો પાણીમાં બેસી જાય...”
શેઠના બંને ગાડાખેડુ જ્ઞાતિએ કણબી... રોજના ભાડવાત... બળદો હાંકતા હાંકતા બંને જણ આ સાંભળે છે... એના અંતરેથી થોડોક અજંપો જાગી જાય છે, પણ મૂંગા રહે છે. રોજની વાત હતી. છોટિયાની જેમ ભભકવાનું એને પોસાય નૈ... રસ્તો હરામ હલાલીઓથી, લૂંટારાઓથી, ઉભરાતો હોય, ધંધો કરવો કે ધીંગાણા કરવાં ?
મન મનાવીને બંને ગાડાખેડુ ગાડાં હાંક્યે જાય છે... હાસ્તો... શું થાય બીજું ? રણની ભેંકારતા... સીમાડે કે પછી ત્રિભેટે ગીધની જેમ આંખો માંડીને બેઠેલા લૂંટારા ક્યારે ત્રાટકે એનું માપ નહીં...! દિવસે ઘુવડની જેમ ડુંગરના ગાળામાં, નદીની ભેખડ્યોમાં છુપાઈને પડ્યા રહેતા હરામ હલાલીઓ રાત પડે એટલે પાંખો પસારે. રણની કાંધી અને ઝાલાવાડની બગલ સમા આ વિસ્તારને ભયથી કંપાવી નાખે. ક્યારેક લાકડી, ધારિયાં તો કયારેક જામગરી-બંદૂકોના ભડકાથી વગડો આખો ભરાઈ જાય...! નાનાંનાનાં રજવાડાંનાં વેર આ લોકોને પંપાળ્યા કરે... લોકો લૂંટાયા કરે...
ટીકર વળોટી ગાડાં “વરણ”ના રસ્તાનું રણ પૂરું કરવામાં હતાં. પથ ઘણો થયો હતો એટલે લધા શેઠે આદેશ દીધો : “કાના... ગોપા... ! બળદોને કાંક ચારો નીરો, ભૂંગળીઓ પીઓ... થોડી વાર વિસામો કરીને પછી આગળ જઈએ...”
લધા શેઠ રેતી પરા ધડકી પાથરીને બેઠા. નભરમા આખા પંથક ઉપર ચાંદો ઝળહળતો હતો. નજર સુધી રેતીના ઢેર પર ચાંદનીનાં પૂર રેલાતાં હતાં... મોડા ગામનો વેપારી, ધંધોધાપો વીસરીને આકાશના નેવલેથી મૂશળાધાર વરસતા દૂધ જેવા ઉજાસને ઓહો ભાવની આંખે તાકી રહે છે. રેતીના ચમકીલા કણોમાં ચાંદનીના બિંબ ઝિલાતાં હતાં અને ધરતી ઉપર જાણે કરોડો ચાંદરણાંનો ઢગલો થયો હતો... નજર સામે મેડકના લાખો અને કાળો ડુંગરાઓ હોંકારા ડેટા હતા...
શેઠે છોટિયાને સાદ કર્યો : “આણીપા આવ્ય, છોટિયા !"
ગાડા ઉપરથી ભમરાની જેમ ઠેકતો છોટિયો હાથમાં ડાંગ લઈને લધા શેઠ પાસે આવી ઊભો.
“આ લે...” શેઠે રૂપિયા ભરેલી વાંસળી છોટિયાને અંબાવી : “હવે તારી પાસે રાખ... તું તો હળવદનો ભડવીર ભામણ, છોટિયો ! હું તો મોડા ગામનો વાણિયો... કેડો હવે વિકટ આવે છે. ક્યાંક હથિયાર ખેંચાશે તો રૂપિયા ખોઈ બેસીશ...”
“હથિયાર ખેંચવાવાળાનો હાથ ખેંચી લઉ, કાકા !” અને ગાડખેડુઓ તરફ નજર માંડીને છોટિયો ભભક્યો : “હું કાંઇ ગાડખેડુ થોડો છંવ ?” અને ડાભે ખભે દોરડી જેવી જાડી જનોઈ ઉપર હાથ ઠપકારીને છોટિયો બોલ્યો : “જનોઈ ભલે પહેરી, બાકી છોટિયાના ઘા જનોઈવઢ હો, કાકા !” કહીને છોટાલાલે રૂપિયાની વાંસળી કેડયે વીંટેલા જાડા ધોતિયા ઉપરની, પાણકોરાની મેલખાઈ બંડી ઉપર કચકચાવીને બાંધી અને આટલી વારમાં છોટિયાને હાજત લાગી...
“એલા ગાડાખેડૂઓ, જરાક હરમત રાખીને બેસાજો.” છોટાલાલ બોલ્યા.
“હું જંગલ જઇ આવું. હાકલોપડકારો થાય તો પાટીએ ચડતા નૈ. સાવ કણબી થાતા નૈ... નીકર ડૂબી મારવાનું થાશે મારે...”. બીજો ગાડા ખેડૂત મૂંગો રહ્યો, પણ કાના નામના કણબીનાં રૂંવાડાંમાં છમછમાટી બોલી ગઈ. ધરતીને ઊથલાવી નાખનારાં એનાં બાવડાં ચટપટી ઊઠ્યાં... છોટિયાનું મેણું એને કાળજાની કોર માથે જાતું વાગ્યું... એ કશુંક બોલવા જતો હતો, પણ ત્યાં જ રેતીમાં ખળભળાટ થયો. ડુંગર ઉપર પથરા દડદડે એમ બે લૂંટારા દોડતા આવી ચડ્યા. પરબારા લધા શેઠને ઘેરી લીધા : “એલા, વાણિયો કે નહીં ?”
લધાશેઠ ખળભળ્યા. મરદની આવૃતિજેવો છોટિયો ગેરહાજર હતો. ગાડાખેડુ છાતી વગરના આદમી...!
લધાશેઠે કોટના ગજવામાંથી બીડીઓ કાઢી અને લૂંટારાઓને લલોપતો કર્યો : “લ્યો ભાઈ, બીડી-બીડી પીવો. સોપારી ખાવ, પોરો ખાવ.”
“પોરો તો અમે ખાઈને આવ્યા, વાણિયા !” લૂંટારા ડણક્યા : “હવે કોટના ગજવા ખાલી કરી દે નીકર...” અને એક જણે જામગરી બંદૂક જમીન ઉપર પછાડી : “જાશ તારા વડવા સાથે.”
“ગજવાં તો ખાલી છે, ભાઈ !” શેઠ કરગર્યા : “હળવદ્થી ગોળ ખરીધ્યો....”
“રૂપિયા નથી ? આવડો મોટો વેપારી છો ને સાવ ખાલી ખીસ્સે ?”
“હા ભાઈ ! નથી. ખોટું બોલું કાંઇ ! ગાડામાં ગોળ ભર્યો છે, મોઢાં મીઠાં કરો બાપા !”
“વીરમ !” લૂંટારાએ સાથીદારને આદેશ દીધો : “એની ગોળની ગાડી જ હાંકી લે.... બળદ અને ગોળને વેચી નાખીશું કચ્છમાં.”
અને વીરમ નામનો લૂંટારો ગોળની ગાડી પાસે આવ્યો : “ભાગ્ય એલા કણબી ! મારે ગાડી જોડવી છે.”
ગાડાખેડુ કાનો ઊભો થયો લૂંટારો ત્રાડયો. પડછંદા છેક મેડકના ડુંગરા સાથે અથડાયા : “જીવનો જાશ, કણબી!”
“કણબી છું, એટલે ગાડું તને આપી દઉં ?” કાનો ઠેકડો મારીને સામે થયો.
“હા આપી દે.... તારાથી બીજું શું થાવાનું, રૂખ!”
કાનાએ ગાડાની ઊધ માથેથી છલાંગ મારી અને ગાડાનું આડું ખેંચી લીધું અને પળનાય વિલંબ વગર બે હાથે ઉઠાળીને લૂંટારાની તુંબલી ઉપર ફટ્કાર્યું. પલાળેલાં કપડાં ઉપર ઘોવાનો ધોકો પડે એમ કાનાનો ઘા પડ્યો. ફડાકે મેડકના ડુંગરમાં પડઘો પડ્યો !
કાનાના એક જ ઘાએ લૂંટારો વીરમ ગોટોપોટો થઈને ધરતી ઉપર ઢગલો થયો....!
શેઠને ઘેરીને ઊભેલો બંદૂકધારી લૂંટારો કાના તરફ ધસ્યો. કાનાએ ગાડનું આડું ફરી વાર હવામાં ઉછાળ્યું અને બીજાને પણ વધાવ્યો.
પહેલો ઊભો થઈને ભાગ્યો. બીજાના હાથમાં જામગરી ઠઠી રહી. દાગવાનો ફોડવાનો મોકો જ ન મળ્યો...... બંને લૂંટારા ભાગ્યા. કાનો આડું લઈને ઉછાળતો હતો, લૂંટારાઓને બોથલાવતો હતો.
લધો શેઠ આંખો ફાડીને જોઈ રહ્યા હતા. બીકણ બીકણનાં હજાર-હજાર મેણાં જેને માર્યાં’તા એ ગાડાખેડુ રણશૂરો થઈને લૂંટારાઓને ઘમઘમાવતો હતો. લધા શેઠને જાણે એ કહેતો હતો કે શેઠ તમારા ચોપડાનાં પાનાં કોરાં હોય, તો લખી લો, કાનો આજ એની સાત પેઢીઓનાં માહેણાંને વસૂલ કરવાનો છે.
“શાબ્બશ કાના...... !” લધો શેઠ કાનાની મર્દાનગી ઉપર તાળીઓ પાડતા કૂદતા હતા : “શાબ્બશ ખેડૂદીકરા! તેં તો આજે રંગ રાખ્યો.”
અને આટલી વારમાં જ તો હાજતે ગયેલો છોટિયો પણ આવી પૂગ્યો...
પાછળ બે-બે જણાંને આવતા જોઈને લૂંટારા મુઠ્ઠીઓ વાળીને ભાગતા હતા... કાનો એને છોડતો જ નહોતો.
“પાછો વળી જા, કાના !” છોટિયો ધરબાતો હતો........ “હવે પાછો વળી જા... એને જાવા દે......”
પણ કાનો આજ મોતના માંડવે જઈને ઉભવાનો મનસૂબો કરીને જ બેઠો હતો. આખા અવતારનાં મહેણાંનો એ આજ હિસાબ કરી લેવા માગતો હતો.
આગળ લૂંટારાઑ અને પાછળ-પાછળ કાનો.......!
ભાગતા લૂંટારાઓને ખાતરી થઈ કે આ કણબી આજે જીવતા નથી છોડવાનો. એટલે ભાગતાં-ભાગતાં એણે જામગરીની કળી સળગાવીને બંદૂકને કાના ઉપર ચાંપીને નિશાન લીધું.
આખા રણને ધમધમાટીથી ભરી દેતી જામગરીની ગોળી કાનાની છાતીમાં બખોલ પાડીને આરપાર નીકળી ગઈ. લોહીનો ધગધગતો ફૂવારો, રેતીના પટ પર બલિદાન નામનો શબ્દ લાલબોળ રંગે રંગાઈ ગયો !
લધો શેઠ અને છોટાલાલ જ્યારે દોડીને કાના પાસે આવ્યા ત્યારે ડચકાં લેતાં કાનાએ બહુ જ ટૂંકાં વાકયોમાં કહ્યું કે, “શેઠ ! ગાડાખેડુ બીકણ હોય છે, એવું હવે ક્યારેય ન બોલશો. બાકી મારા જીવને નિરાંત છે.” કાનાની આંખો હંમેશને માટે બંધ થઈ ગઈ.
“કાના પટેલ !” લધા શેઠના ભીના કંઠમાંથી શાબાશી નીકળી : “તેં તો બાપ ! આજ ઝાલાવાડ અને કચ્છની ધરતીને કંકુંનાં તિલક કર્યા, તને રંગ છે પાટલીયા!”
સાડા ચાર હાથની ધર��ીને રોકીને સૂતેલા કાનાને મેડકના ડુંગરા ધન્યતાભરી આંખે નીરખી રહ્યા અને પ્રકૃતિને એણે ધીમા સાદે કહ્યું : “કાના જેવા મરદને આપણે કાયમ માટે છાતી માથે રાખેશું, કેમ કે કાનાએ આજ નિર્જીવ આપણા પથ્થરોને સિંદૂર ચડાવીને પૂજાતા કર્યા છે.”
આજે પણ મેડકના ડુંગર ઉપર કાનાનો પાળિયો એની જવાંમર્દીનો સિંદૂર ચમકાવતો ઊભો છે.