રાજસ્થાન અને મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં નૂપુર શર્માના સમર્થક પર હુમલો થયો છે. સીતામઢીના અંકિત ઝાએ આરોપ લગાવ્યો છે કે નૂપુર શર્માનો વીડિયો જોયા બાદ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. બજારમાં દોડાવી-દોડાવીને અંકિત પર છરી વડે 6 વાર હુમલો કરવામાં આવ્યો હતો. અંકિતની હાલત નાજુક છે. દરભંગાના DMCHના ICUમાં તેની સારવાર ચાલી રહી છે. અંકિતના છરી લાગ્યા બાદનો વીડિયો પણ સામે આવ્યો છે.
અંકિતે જણાવ્યું કે તે તેના મિત્ર સાથે દુકાન પર બેસીને મોબાઈલમાં સ્ટેટસ જોઈ રહ્યો હતો. તેમાં નૂપુર શર્માનો એક વીડિયો હતો. પાછળથી કેટલાક લોકો આવ્યા અને કહ્યું કે નૂપુર શર્માનો સમર્થક છે. મેં હા પાડી કે તરત જ મને ચપ્પાથી હુમલો કરવાનું શરૂ કર્યું.
મોબાઈલ પર નૂપુરનો વીડિયો જોવા પર ગુસ્સો આવ્યો
કહેવાય છે કે અંકિત પાનની દુકાનમાં પાન ખાવા ગયો હતો. આ દરમિયાન નૂપુર શર્માનો વીડિયો મોબાઈલમાં જોઈ રહ્યો હતો. મોહમ્મદ બિલાલ સહિત 3 લોકો પાનની દુકાને આવ્યા અને મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોઈને ગુસ્સે થઈ ગયા.
યુવકોએ પહેલા અંકિતના ચહેરા પર સિગારેટના ધુમાડા ફૂંક્યા હતા. ત્યારબાદ તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા. વિરોધ કરવા પર ત્રણેયએ અંકિતની જમણી બાજુએ કમર પાસે છરી વડે હુમલો કર્યો હતો. અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે.
પોલીસ પર કેસ દબાવવાનો આરોપ
આ મામલો 16 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે. ફરિયાદમાંથી નૂપુરનો ઉલ્લેખ હટાવ્યા બાદ પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદ લીધી હતી. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી હજુ પોલીસ પકડની બહાર છે. એસપી હર કિશોર રાયનું કહેવું છે કે પીડિત અને આરોપી નશો કરી રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. SPએ નૂપુર શર્મા સાથે જોડાયેલા કોઈપણ વિવાદનો ઈન્કાર કર્યો છે.
5 લોકોને આરોપી બનાવ્યા
સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આરોપ છે કે પરિવારજનોએ અગાઉ નોંધાવેલી ફરિયાદમાં નૂપુર શર્મા કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે તેને બદલવાનું કહ્યું, ફરિયાદમાંથી નૂપુર શર્માનો ઉલ્લેખ હટાવ્યા પછી જ FIR નોંધવામાં આવી. આ કેસમાં પોલીસે નાનપુર ગામના ગૌરા ઉર્ફે મોહંમદની ધરપકડ કરી હતી. નિહાલ, મોહ. બિલાલ સહિત અન્ય પાંચને આરોપી બનાવવામાં આવ્યા છે. FIR બાદ પીડિત પરિવારને સતત ધમકીઓ મળી રહી છે.