દાહોદ SOGએ જુદા જુદા દરની નકલી નોટ ઝડપી પાડી છે. જેમાં કતવારા મેઈન બજારમાંથી 2 યુવકો પાસેથી નકલી નોટો ઝડપાઈ છે. રૂપિયા 5 લાખ ઉપરાંતના દરની 500ની નોટો ઝડપી પાડી છે. 1015 જેટલી કલર ઝેરોક્ષ કરેલી નોટો પકડાતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે.
નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપ્યા
નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપ્યા છે તથા બે આરોપીઓ ફરાર થયા છે. SOG પોલીસે નકલી નોટ સાથે ઈટાવાના કમલેશ સંગાડા અને તરવાડીયાવજાના મંગળીયા ડામોરને ઝડપી પાડયા છે. સમગ્ર પ્રકરણમાં ફરાર ઝાલોદ તાલુકાના સારમારીયાના શૈલેષ વહોનીયા અને નાનીખરજના હીમસીંગ ગણાવા ફરાર છે. તેમાં પોલીસે ફરાર બન્ને આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથધરી છે.
તાજેતરમાં દિલ્હી પોલીસે નકલી નોટો છાપતા પાંચ લોકોની ધરપકડ કરી હતી
તાજેતરમાં દિલ્હી પોલીસે નકલી નોટો છાપતા પાંચ લોકોની ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી 19 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગેંગ કથિત રીતે અજમેરમાં નકલી ચલણી નોટો છાપવા અને દિલ્હી એનસીઆરમાં ફરતી કરવા માટે એક યુનિટ ચલાવતી હતી. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે દિલ્હી પોલીસે એક ગોપનીય માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે પોલીસને બાતમી મળી હતી કે નકલી નોટોના ચલણમાં સંડોવાયેલા બે લોકો અક્ષરધામ મંદિર પાસે નોટોની આપવા આવવાના છે. આ માહિતીના આધારે દિલ્હી પોલીસે ગેંગ લીડર સાકુર મોહમ્મદ (25) તેમજ તેના સહયોગી લોકેશ યાદવ (28)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમની જોડેથી 6 લાખ રૂપિયાની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો મળી આવી છે.
રૂ. 19,74,000ની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો મળી
પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન મોહમ્મદે પોલીસને જણાવ્યું કે તેને હિમાંશુ જૈન (47), શિવ લાલ (30) અને તેના ભાઈ સંજય ગોદારા (22) પાસેથી નકલી નોટો મળી હતી. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) એ જણાવ્યું કે, આરોપીઓએ રાધે અને શિવલાલ સાથે મળીને રાજસ્થાનના અજમેરમાં ભાડાના મકાનમાં નકલી ભારતીય ચલણી નોટો (FICN) છાપવા માટે એક યુનિટ બનાવ્યું હતું. તેમની પાસેથી નકલી નોટો છાપવા માટે વપરાતા સાધનો, રૂ. 19,74,000ની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો, બે કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે.