ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તાનો સૂર્ય ઝળહળી રહ્યો છે. સતત બીજી વાર પૂર્ણ બહુમતી સાથે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે ફરીવાર વિધાન પરિષદની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. વિધાન પરિષદની 36 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી છે. આ 33 પૈકી 9 બેઠક પર તેના ઉમેદવારોની બિનહરિફ ચૂંટણી થઇ હતી, જ્યારે 3 સીટ અપક્ષના ખાતામાં ગઇ છે.
આ પરિણામમાં ચોંકાવનારી વાત એ રહી હતી કે, સમાજવાદી પાર્ટીનાં સૂપડાં સાફ થઇ ગયાં છે અને તેને એક પણ બેઠક મળી નથી અને આ ભવ્ય જીત સાથે વિધાન પરિષદમાં પણ ભાજપને પૂર્ણ બહુમત પ્રાપ્ત થઇ ગયો છે.
વારાણસી, આઝમગઢ-મઉ તેમજ પ્રતાપગઢ બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે. પ્રતાપગઢ બેઠક પર અક્ષય પ્રતાપ ઉર્ફે ગોપાલજીની જીત થઇ છે. જે ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયાના સગા છે.
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં કુલ 100 સીટ છે અને તેની 36 બેઠક પર ગત 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું. આજની જીત સાથે વિધાન પરિષદમાં ભાજપના ઉમેદવારોની સંખ્યા વધીને 67 પર પહોંચી જશે. જ્યારે સમાજવાદી પાર્ટીના 17 સભ્ય રહેશે. વિધાન પરિષદ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.
વારાણસીમાં ભાજપ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત
ઉત્તર પ્રદેશની વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, પણ ભાજપની આ જીતમાં વારાણસી બેઠક પર થયેલી હારએ ઝાંખપ લગાવી છે. વારાણસી બેઠક પર માફિયા અને એમએલસી બ્રૂજેશસિંહના પત્ની અને અપક્ષ ઉમેદવાર અન્નપૂર્ણા સિંહની જીત થઇ છે. જ્યારે તેમની સામેના ભાજપના ઉમેદવાર સુદામા પટેલ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા. અન્નપૂર્ણા સિંહને 4949 મતમાંથી 4876 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર પટેલને માત્ર 170 મત મળ્યા હતા. જ્યારે 127 મત રદ થયા હતા.