15માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રોપદી મુર્મુએ ભવ્ય વિજય મેળવ્યો છે. વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ પોતાની હાર સ્વીકારી લીધા છે અને દ્રોપદી મુર્મુને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, આશા છે આપ કોઈ પણ પ્રકારના ભય અને પક્ષપાત વિના બંધારણના રક્ષક બનીને કાર્ય કરશે. દ્રોપદી મુર્મુ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર સૌથી યુવા આદિવાસી મહિલા બની ગયા છે. આ જીત સાથે જ દ્રોપદી મુર્મુએ ઈતિહાસ રચ્યો છે.
દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ
દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેઆર નારાયણ તરીકે બે દલિત રાષ્ટ્રપતિ મળી ચૂક્યા છે, પરંતુ દ્રોપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી નેતા છે, જે દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હોય. અત્યાર સુધી દેશમાં કોઈ આદિવાસી વડાપ્રધાન કે ગૃહમંત્રી પણ નથી બન્યા.
ઓડિશામાં જન્મેલા દ્રોપદી મુર્મુ 2015થી 2012 સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યાં છે. ખાસ વાત એ છે કે, દ્રોપદી પ્રથમ એવા રાજ્યપાલ છે, જેમણે ઝારખંડમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય.
સૌથી યુવા રાષ્ટ્રપતિ
દ્રોપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958માં થયો હતો. 25 જુલાઈએ તેમની વય 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસની હશે. દ્રોપદી મુર્મુ અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનશે. અગાઉ આ રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો. નીલમ રેડ્ડી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમની ઉંમર 64 વર્ષ બે મહિના અને 6 દિવસ હતી. તેઓ બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. જ્યારે સૌથી વધુ વયના રાષ્ટ્રપતિ બનનારાઓમાં કેઆર નારાયણનું નામ છે. જેઓ 77 વર્ષ, 5 મહિના અને 21 દિવસની વયે રાષ્ટ્રપતિ બન્યા હતા.
સ્વતંત્ર ભારતમાં જન્મ લેનારા રાષ્ટ્રપતિ
દ્રોપદી મુર્મુ પ્રથમ એવા રાષ્ટ્રપતિ હશે, જેમણે સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર, 1945ના રોજ થયો હતો.
જણાવી દઈએ કે, 2014 સુધી જેટલા પણ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બન્યા, તે સૌનો જન્મ સ્વતંત્રતા પહેલા જ થયો હતો. વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ થયો હતો. તેઓ આઝાદ ભારતમાં જન્મ લેનારા પ્રથમ પ્રધાનમંત્રી છે.
ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ
દેશમાં અત્યાર સુધી જે 14 રાષ્ટ્રપતિ થયા છે, તેમાં 7 દક્ષિણ ભારત સાથે સંકળાયેલા હતા. જ્યારે ડૉ રાજેન્દ્ર પ્રસાદ એવા રાષ્ટ્રપતિ હતા, જેઓ બે વખત રાષ્ટ્રપતિ બન્યા અને મૂળ બિહારના હતા.
દ્રોપદી મુર્મુ ઓડિશાના પ્રથમ એવા નેતા છે, જેઓ આ સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. 2007માં પ્રતિભા દેવી પાટીલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
રાષ્ટ્રપતિ બનનારા પ્રથમ કાઉન્સિલર
દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનનારા પ્રથમ નેતા છે, જેઓ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. દ્રોપદી મુર્મુ પહેલા શિક્ષક હતા. જે બાદ તેઓ રાજનીતિમાં આવ્યા અને 1997માં કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવ્યા હતા. જેના 3 વર્ષ બાદ તેઓ વિધાનસભામાં પહોંચી ગયા. ઓડિશાની ભાજપ-બીજેડી સરકારમાં તેઓ બે વખત મંત્રી રહી ચૂક્યા છે. તેઓ કોઈ રાજ્યના રાજ્યપાલ બનનારા પણ દેશની પ્રથમ આદિવાસી મહિલા છે.