રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનને લઇ મોટું નિવેદન આપ્યું છે. હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વજ એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે તેવું તેમણે પૂણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું. વધુમાં કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓને કટ્ટરપંથીઓની વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા રહેવું જોઇએ.
હિન્દુ કોઇનાથી દુશ્મની રાખતા નથી: ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં લઘુમતી સમુદાયને કોઇ વસ્તુથી ડરવાની જરૂર નથી, કારણ કે હિન્દુ કોઇની સાથે દુશ્મની રાખતા નથી. તેમણે કહ્યું કે હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિની બરાબર છે. આ અન્ય વિચારોનું અસમ્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ અંગે નહીં પરંતુ ભારતીય વર્ચસ્વ અંગે વિચારવાનું છે. ભારતના સર્વાંગી વિકાસ માટે તમામે મળીને કામ કરવું જોઇએ.
મુસ્લિમ નેતાઓએ કરવો જોઇએ જરૂરી મુદ્દાઓનો વિરોધ
મોહન ભાગવતે કહ્યું કે ઇસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યા. આ ઇતિહાસ છે અને આ જ સ્વરૂપમાં બતાવવો જોઇએ. સમજદાર મુસ્લિમ નેતાઓને બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઇએ નહીં અને કટ્ટરપંથીઓ અને ચરમપંથીઓની વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા રહેવું જોઇએ. જેટલી ઝડપથી આપણે આ કરીશું તેનાથી સમાજને એટલું જ ઓછું નુકસાન થશે.
આપણા માટે દરેક ભારતીય હિન્દુ છે: મોહન ભાગવત
RSSના પ્રમુખે કહ્યું કે મહાસત્તા તરીકે ભારત કોઈને ડરાવશે નહીં. તેમણે રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર સર્વોચ્ચ વિષય પરના સેમિનારમાં કહ્યું કે હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસાનો પર્યાયવાચી છે. આ સંદર્ભમાં દરેક ભારતીય અમારા માટે હિન્દુ છે, પછી ભલે તે તેના ધાર્મિક, ભાષાકીય અને વંશીય અભિગમ કંઇ પણ હોય. ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાયોજીત કરે છે અને અન્ય ધર્મોનું સમ્માન કરે છે.
ભારતીય સંસ્કૃતિ તમામને સમાન સમજે છે: કરેળના રાજ્યપાલ
આ સંગોષ્ઠીમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાન્સેલર લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) સૈયદ અતા હસનૈન પણ હાજર હતા. આ દરમ્યાન આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે વધુ વિવિધતાથી સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય છે અને ભારતીય સંસ્કૃતિ તમામને સમાન સમજે છે. સૈયદ અતા હસૈનેને કહ્યું કે મુસ્લિમ બુદ્ધિજીવીઓને ભારતીય મુસલમાનોને નિશાન બનાવાની પાકિસ્તાનની કોશિશને નિષ્ફળ કરવી જોઇએ.