'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યૂસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે 2022માં દર્શકોને દયાભાભીનું પાત્ર અચૂક જોવા મળશે. જોકે, શોમાં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે તેમણે કંઈ જ કહ્યું નહોતું. હવે દિશા વાકાણી અંગે નવા સમાચાર આવ્યા છે. દિશા વાકાણી બીજીવાર માતા બની છે. થોડાં દિવસ પહેલાં દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર પડિયા તથા ભાઈ મયુર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. થોડાં સમય પહેલાં દિશા વાકાણીની બેબી બમ્પની તસવીરો વાઇરલ થઈ હતી.
ભાઈએ શું કહ્યું?
સિરિયલમાં સુંદરનું પાત્ર ભજવનાર દિશાના ભાઈ મયુર વાકાણીએ કહ્યું હતું, 'મને આનંદ છે કે હું બીજીવાર મામા બની ગયો. 2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તે ફરીથી માતા બની છે. હું બહુ જ ખુશ છું.'
ભાઈએ કહ્યું, દિશા શોમાં પરત ફરશે
મયુર વાકાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે દિશા સિરિયલમાં પરત ફરશે કે નહીં, તો તેણે જવાબ આપ્યો હતો કે દિશા શોમાં જરૂરથી પરત ફરશે. ઘણો સમય થઈ ગયો છે. 'તારક મહેતા..' એકમાત્ર એવો શો છે, જેમાં તેણે વર્ષોથી કામ કર્યું છે. તેની પાસે એવું કારણ નથી કે તે શોમાં પરત ના ફરે. તે સેટ પર ક્યારે આવે તેની બધા આતુરતાથી રાહ જુએ છે.'
પતિએ શું કહ્યું?
દિશા વાકાણીના પતિએ કહ્યું હતું કે દિશા તેના દીકરા સાથે વ્યસ્ત છે.
2015માં લગ્ન
દિશા વાકાણીએ મુંબઈના CA મયુર પડિયા સાથે 2015માં 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો.
ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.