આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઇ છે. પરંતુ આચારસંહિતા શું હોય છે અને તેની શું અસર થાય છે? કોને કયા નિયમોનું પાલન કરવાનું હોય છે તે અંગે આપણે વિગતે જાણીએ.
આચારસંહિતા એટલે શું?
આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગૂ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે પૂરી થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે. આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે.
આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે. જોકે આચારસંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની સહમતીથી બનાવવામાં આવી છે. જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે.
આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે?
આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે ગેરઉપયોગ ન કરી શકે. આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ. જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે. જેના દ્વારા સામાન્ય જનતામાં વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.
આચારસંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય?
આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય?
કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી હોય છે. સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત માંગી શકે નહીં. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.