બોલિવુડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. ડોક્ટરે જણાવ્યું કે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બપ્પી દાએ 80 અને 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં બ્લોકબસ્ટર ગીતો આપ્યા અને એક અલગ ઓળખ બનાવી.
બપ્પી લહેરીને ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ કોરોનાનો ભોગ બન્યા હતા. જો કે તેઓ થોડા દિવસોમાં સાજા થઈ ગયા હતા. હાલમાં તેઓને મુંબઈની Criticare હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીટીઆઈએ બપ્પી લહેરીના મૃત્યુની પુષ્ટિ કરી છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.દીપક નામજોશીએ જણાવ્યું કે બપ્પી લહેરીને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સોમવારના રોજ રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી હતી. બપ્પી દાના પરિવારે ડૉક્ટરને ઘરે બોલાવ્યા. બપ્પી દાને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર બપ્પી દા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડિત હતા. તેમનું OSA (obstructive sleep apnea) ને કારણે નિધન થયું.
ઈન્ડસ્ટ્રીમાં શોક, ફેન્સ અને સેલેબ્સ યાદ કરી રહ્યા છે
બપ્પી લહેરીના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ અને ચાહકો ‘ડિસ્કો કિંગ’ને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોઈ માની ના શકે કે હવે બપ્પી દા પણ આ દુનિયામાં નથી. સ્વરા કોકિલા લતા મંગેશકરનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. લતાજીને ગુમાવવાના આઘાતમાંથી હજુ દેશ બહાર આવ્યો નહોતો કે હવે બપ્પી દાએ હંમેશા માટે અલવિદા કહી દીધું છે.
‘બિગ બોસ 15’માં દેખાયા હતા
બપ્પી લહેરી આ વર્ષે સલમાન ખાનના શો ‘બિગ બોસ 15’માં પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન પણ તેમની તબિયત નાદુરસ્ત જણાતી હતી. સલમાને બપ્પી દાને સેટ પર બેસાડવા માટે ખાસ વ્યવસ્થા કરાવી હતી.
આ સાચું નામ હતું, 3 વર્ષની ઉંમરથી તબલા વગાડવાનું શરૂ કર્યું હતું
બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ લહેરી હતું. તેમનો જન્મ બંગાળમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બપ્પી લહેરીએ માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તેમની શરૂઆતની તાલીમ તેના માતા-પિતાએ ઘરે જ કરાવી હતી. બપ્પી લાહેરીને ‘ડિસ્કો કિંગ’ કહેવામાં આવતા હતાં કારણ કે તેમણે જ ભારતીય સિનેમામાં સંsynthesized disco મ્યુઝિકને પોપ્યુલર કર્યું હતું. બપ્પી લહેરીને 2018માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ફિલ્મફેર ઍવૉર્ડ પણ જીત્યા.
બપ્પી દાને બે બાળકો
બપ્પી દાને બે બાળકો છે – પુત્ર બપ્પા લહેરી અને પુત્રી રીમા લહેરી. બપ્પી દા માત્ર તેમના સંગીત અને ગીતો માટે જ નહીં પરંતુ સોના પ્રત્યેના તેમના પ્રેમ માટે પણ જાણીતા હતા. તેઓ ઘણીવાર સોનાની ચેન અને સનગ્લાસ પહેરીને જોવા મળતા હતા. બપ્પી દાનો એક પ્રખ્યાત ડાયલોગ હતો, જે તેઓ હંમેશા કહેતા. તે કહેતા હતા કે – ગોલ્ડ ઇઝ માય કિંગ.